તુણા -રામપર વચ્ચે વીજ કેબલ ચોરનાર ચાર શખ્સ ઝડપાયા

copy image

તુણા-કિડાણા થી રામપર વચ્ચે જતી ગેટકો કંપનીના વીજપોલમાંથી કેબલ ચોરી કરનાર ચાર ચોરને એલસીબીએ ઝડપી પાડી તેમની પાસેથી કેબલ ઓગાળી બનાવેલી રૂ.96 હજારની કિંમતની 24 પ્લેટો કબજે કરી ભેદ ઉકેલ્યો હતો. એલસીબી પીઆઇ એમ.એમ.જાડેજાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત તા.26/7 ના રોજ ગેટકો કંપનીની કોન્ટ્રાક્ટર કંપની દિલદાર ઇલેક્ટ્રીકલ્સના પ્રોજેક્ટ મેનેજર સબારેખ હારૂનભાઇ શેખે કંડલા મરિન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી કે, તુણા-કિડાણા થી રામ પર વચ્ચે લોકેશન નંબર 26/0 થી 28/0 વચ્ચે વીજ કંપનીના પોલમાંથી અમુક અજાણ્યા સખ્શોએ રૂ.2.05 લાખના કેબલની તસ્કરી કરી છે.

આ તસ્કરીનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરાયા હતા તે દરમિયાન બાતમીના આધારે આ તસ્કરીને અંજામ આપનાર વરનોરાના અબુબકર જુસબ ગગડા, સલીમ સુમાર મેર, ભુજના ફારૂક ઇલિયાસ કુંભાર અને અંજારના ફકીરમામદ ખમીશા કુંભારને અંજારના દબડા બાયપાસ રોડ ઉપરથી ઝડપી પાડી તેમની પાસેથી રૂ.96,000 ની કિંમતની ચોરાઉ એલ્યુમિનિયમ કેબલ ગાળી બનાવાયેલી 24 પ્લેટો જપ્ત કરી વધુ તપાસ માટે કંડલા મરિન પોલીસને સોંપવામાં આવ્યા હતા.