ટ્રકની ટક્કરથી એક્ટિવા સવાર માધાપરના કિશોરનું મૃત્યુ

ભુજિયા રીંગ રોડથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર થઇ એરોપ્લેન સર્કલ સુધીનો હાઇવે રસ્તો ભારે વાહનોની અવાર જવરથી જોખમી બન્યો છે. શુક્રવારે રાત્રે આજ માર્ગ પર આરટીઓ સર્કલ નજીક ટ્રેઇલરના ચાલકે ખાનગી બસ સહિત ત્રણ વાહનને ટક્કરે લીધા હતા. જે બાબતે પોલીસ ફરિયાદ પણ કરાઇ છે. તેવામાં આજ સ્થળથી થોડી આગળ શનિવારે સવારે ટ્રકના ચાકલે એક્ટિવાને ટક્કર મારતાં 14 વર્ષના કિશોરનું ગંભીર ઇજાઓથી સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું. કિશોરના મૃત્યુથી પરિવારજનોમાં શોક છવાઈ ગયું હતું.
મળતી માહિતી મુજબ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેના સર્કલથી લોટસ કોલોની તરફના માર્ગ પર સવારે નવ વાગ્યાની આસપાસ દુર્ઘટના બની હતી. માધાપર નવાવાસના કેસબાગ પાસે રહેતા શક્તિસિંહ ઘનશ્યામસિંહ પરમાર અને તેનો નાનો ભાઇ કૃપાલસિંહ એક્ટિવાથી ભુજથી માધાપર જતા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાતાં 14 વર્ષીય કૃપાલસિંહને ગંભીર ઇજાઓ થઈ હતી.
જેથી તાત્કાલિક સારવાર અર્થે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં હાજર પરના ડોક્ટરે કૃપાલસિંહને મૃત ઘોસિત કર્યા હતા. ભુજ બી ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ માર્ગો પર અકસ્માત ઘટાડવામાં માટે જિલ્લા વહીવટી તંત્ર અને ટ્રાફિક પોલીસે હવે તાત્કાલિક પગલા ભરવા અનિવાર્ય બન્યા છે.