નલિયામાં એક સાથે ત્રણ દુકાનના તાળા તોડીને 25 હજારની કરાઇ ચોરી


નલિયામાં એક રાત વચ્ચે એક કોમ્પલેક્ષમાં આવેલી ત્રણ-ત્રણ દુકાનોના શટરના લોક બારીની ગ્રીલ તોડીને રોકડ, પ્રિન્ટર અને મોબાઇલ મળીને 25,600 જેટલી રકમના મુદામાલની તસ્કરી થઇ જતાં ચકચાર મચી છે.
નલિયા મધ્યે શક્તિ સોસાયટીમાં રહેતા અને ગામના ખાનગી બસ સ્ટોપ પાસે આવેલા દાદા કોમ્પલેક્ષમાં અંબિકા એગ્રો ટ્રેડર્સના નામે બીયારણ, ખાતરના વેપાર કરતા રવિરાજસિંહ જગદીશ જાડેજાની ફરિયાદને નજરે લઈને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીની ઘટના શનિવારની રાતથી રવિવારના સવાર દરમિયાન બની હતી. ફરિયાદીની દુકાનનું કોઇ અજાણ્યા ત્રણ ઇસમોએ શટરનું તાળું તોડીને અંદર ગલ્લામાં રાખેલા રોકડ રૂપિયા 10 હજાર તેમજ રૂપિયા 11 હજારના 5ના સિક્કા ભરેલો થેલો મળી કુલ 21 હજારની તસ્કરી કરી ગયા હતા.
તેમજ બાજુમાં આવેલી વિવેકભાઇ નિતેશકુમાર ભટ્ટની વોડાફોન સ્ટોર નામની દુકાનની બારીની ગ્રીલ તોડીને એક હજારના બે મોબાઇલ, ત્રણ હજારનું પ્રિન્ટર મળી 4 હજારની તસ્કરી કરી ગયા હતા. તથા આજ કોમ્પ્લેક્ષમાં આવેલી દાદા ડાઇનિંગ હોલ નામની લોજના શટરનું લોક તોડી ગલ્લામાંથી રૂપિયા 300 તેમજ દાનપેટીમાંથી 300 રૂપિયાનું પરચુરણ મળી કુલે ત્રણે દુકાનોમાંથી રૂપિયા 25,600નો મુદામાલની તસ્કરી કરી ગયા હતા. લોજના માલિકે ચોરીમાં મોટી રકમ ન ગઈ હોવાથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.