ભચાઉના વેપારીએ ક્રેડિટ કાર્ડની લીન્ક ખોલી ને ચીટરે 1.33 લાખની કરી છેતરપિંડી

ભચાઉના વેપારીએ અજાણ્યા નંબર ઉપરથી આવેલી લીન્ક પર વિશ્વાસ રાખીને ખોલી ક્રેડિટ કાર્ડની બધી વિગતો આપી દેતાં તેમના ક્રેડિટ કાર્ડમાંથી ચીટરે ત્રણ ટ્રાન્જેક્શન કરી 1.33 લાખના વ્યવહાર કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે થઈ છે.

નવી ભચાઉના ધ્રુવ દર્શન રેલ્વે ક્રોસિંગ પાસે રહેતા વેપારી વિકાસભાઇ મોહનભાઇ રાજગોરને અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને તે વ્યક્તિએ તમને ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડમાં ચાર્જ લાગે છે તો એસબીઆઇની તમને લીન્ક મોકલાવવામાં આવશે તેમાં તમારા ક્રેડિટ કાર્ડની બધી વિગતો મોકલો કહ્યા પછી ટેક્સ્ટ મેસેજથી લીન્ક આવતાં તેમણે વિશ્વાસમાં આવી તે લીન્ક ખોલી ક્રેડિટ કાર્ડની બધી વિગતો લીન્ક પર મોકલાવી દીધી હતી.

સવારે એસબીઆઇ ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી તેમને ફોન આવ્યો હતો કે તમે કોઇ ટ્રાન્જેક્શન કર્યું છે તેના જવાબમાં તેમણે ના કહેતા બેંક કર્મીએ તમે મોબાઇલ નંબર ચેન્જ કર્યો છે પુછતાં તેની પણ ના કહેતા તેમણે જણાવ્યું હતું કે તમારા ક્રેડિટ કાર્ડમાં ત્રણ અલગ અલગ ટ્રાન્જેક્શન થયા છે અને ફ્રોડ થયો છે જેથી કાર્ડ બ્લોક કરીએ છીએ તમે સાયબર ક્રાઇક કે નજીકના પોલીસ મથકને આ અંગે જાણ કરો જણાવતાં લીન્ક મોકલનારે રૂ.1,33,808.58 તેમની જાણ બહાર ત્રણ ટ્રાન્જેક્શન કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ તેમણે ભચાઉ પોલીસ મથકે દાખલ કરાવી હતી. પીઆઇ એન.એન.ચુડાસમાએ વધુ તપાસ હાથ ધરી છે.