યુવકને કારમાં લિફ્ટ આપ્યા પછી બેહોશ કરી લૂંટી લઇ હાથ-પગ બાંધી ફેંકી દેવાયો


રાજસ્થાનના કોટા થી મહારાષ્ટ્ર જવા નીકળેલ યુવકને અજાણ્યા સખ્શો દ્વારા કારમાં લિફ્ટ આપી લૂંટી લીધો હોવાનો ગંભીર બનાવ બહાર આવ્યો છે. લિફ્ટ આપવાના બહાને યુવકને કેફી દ્રવ્ય પીવડાવી લૂંટી લઈ, હાથ-પગ બાંધી નડિયાદ નજીક રસ્તામાં ફેકી દેવાયો હતો. જેના પર સ્થાનિકોની નજર પડતા 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
108 નડિયાદની ટીમને મળેલ કોલ આધારે રવિવારે સવારે 8 વાગ્યે મહુધા રોડ પર આવેલ દવાપુરા ગામમાં પહોંચી હતી. જ્યાં રોડની બાજુમાં હાથ પગ બાંધેલી હાલતમાં પરપ્રાંતીય યુવક બેહોશ હાલતમાં મળી આવતા નડિયાદ સિવિલમાં દાખલ કરાયો હતો. પ્રાથમિક સારવાર મળતા ભાનમાં આવેલા યુવકે જણાવ્યું હતુ કે તે મહારાષ્ટ્રના નંદાફાટા જિલ્લાના ચંદ્રપુરાનો રહેવાસી છે. તેનું નામ આશિષ ગોરખ તામગરગે ઉ.20, જેના માતા-પિતાનું ચાર વર્ષ પૂર્વે અવસાન થયું હતું. માતા-પિતાના અવસાન પછી તે રોજીરોટીની તલાસમાં રાજસ્થાનના કોટા આવી ગયો હતો.
જે પછી તે પછ ઘરે ગયો ન હતો. લાંબા સમયથી ઘરે ન ગયો હોવાથી તેણે ઘરે જવાનો નિર્ણય કર્યો અને કંપનીની કારમાં કોટા થી નારોલ એક્સપ્રેસ વે સુધી આવ્યો હતો. જ્યાથી તે વડોદરા જવા અજાણી કારમાં બેઠો રસ્તામાં તરસ લાગતા કાર ચાલકે તેને કોલ્ડ્રીન્ક્સ આપ્યું જે પીધા પછી તે બેહોશ થઈ ગયો હતો. રવિવારે સવારે જ્યારે તેને ભાન આવ્યું ત્યારે નડિયાદ સિવિલ હોસ્પિટલ મધ્યે હતો. સ્પષ્ટ રીતે યુવક સાથે લૂંટની ઘટના બની છે, પરંતુ પોલીસે યુવકને ફક્ત નિવેદન લઈ રવાના કરી દીધો હતો.
સિવિલ હોસ્પિટલમાંથી વર્ધી મળતા પોલીસ પહોંચી હતી. યુવકની પુછપરછમાં તેણે પોતાની સાથે બનેલા બાનવ વિશે જણાવ્યું હતું. પ્રાથમિક સારવારમાં તેની તબિયતમાં સુધારો થયા પછી તેણે ફરિયાદ આપવાની ના પાડી હતી. જેથી તેનું નિવેદન લેવાયુ છે. નિવેદન આપ્યા પછી યુવક મહારાષ્ટ્ર જવા નીકળી ગયો હતો.