મહેમદાવાદમાં પોલીસે ચોરીના માલસમાન સાથે ત્રણ સખ્શોને પકડી પાડી 17 ગુનાના ભેદ ઉકેલ્યા

મહેમદાવાદ વિસ્તારમાંથી ચોરી કરતી ગેંગને પોલીસે પકડી લીધી છે. પોલીસે ચોરી કરતી ત્રિપુટીને પકડી લીધી હતી. આ પૈકી એક વ્યક્તિ ગીચ રહેઠાણ વાળા વિસ્તારમા મદદના સહાયના પોસ્ટરો લઇ ભીખ માંગવા લોકોના ઘરે જતો અને તે દરમિયાન નજર ચુકવી ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે અન્ય બે આરોપીઓ પણ વાહન ચોરી સહિત ચોરીમાં માહીર હોવાનો ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. મહેમદાવાદ પોલીસ આ ત્રણેય આરોપીઓ પાસેથી 14 ચોરીના મોબાઇલ, 3 વાહનની બેટરી, 1 સોલાર પેનલ તથા 2 રેન્જર સાઈકલ ચોરી મળી કુલ 17 ગુનાનો ભેદ શોધી કાઢ્યો છે. પોલીસે કુલ રૂપિયા 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

મહેમદાવાદ પોલીસનો સ્ટાફ ગતરાત્રે શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. આ દરમિયાન શહેરના સાઈબાબા મંદિર નજીક મહેમદાવાદ ભમ્મરીયા કુવા તરફથી ખાત્રજ ચોક્ડી તરફ જતી એક રીક્ષા નંબર (GJ-23-X-2010)ને રોકી હતી. જેમા ચાલક સહિત 3 લોકો હતા. જેઓના પોલીસે નામઠામ પુછતા આ ત્રણેય લોકોએ પોતાના નામ રાજુભાઇ ઉર્ફે વિનોદ પુનમભાઇ મારવાડી (રહે.મહેમદાવાદ કાચ્છઈ ફાટક પાસે ખાડામા છાપરા વિસ્તાર તા.મહેમદાવાદ જી.ખેડા), વિમલેશભાઇ ઉર્ફે ગોલુ પ્રેમકુમાર ઠાકોર (રહે.મહેમદાવાદ જી.ઇ.બી પાસે રેલ્વે સ્ટેશન પાછળ તા.મહેમદાવાદ જી.ખેડા) અને કમલેશભાઇ ઉર્ફે ટીંક પ્રેમકુમાર ઠાકોર (રહે.મહેમદાવાદ જી.ઇ.બી પાસે રેલ્વે સ્ટેશન પાછળ તા,મહેમદાવાદ જી.ખેડા) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે આ ત્રણેય સખ્શો પાસેથી અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ 14, અલગ-અલગ કંપનીની નાની-મોટી બેટરી નંગ-3, સોલાર પેનલ, બે રેન્જર સાઇકલો અને સી.એન.જી રિક્ષા સહિત કુલ રૂપિયા 1 લાખ 15 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સી.આર.પી.સી, 102 મુજબ તપાસ માટે જપ્ત કરી ત્રણેયની અટકાયત કરી હતી અને વધુ પુછપરછ હાથ ધરતા 17 જેટલા ચોરીના ગુનાનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સમગ્ર બાબતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.