ગાંધીનગરમાં આંદોલનકારીઓ સામે પોલીસ કેસ કરાતા આરોગ્યકર્મીઓએ ઘરમાં જ ભૂખ હડતાળ કરી કામનો બહિષ્કાર કર્યો


રાજ્યના આરોગ્ય કર્મચારીઓ સહિતના આંદોલન કરતા કર્મચારીઓ સામે પોલીસ કેસ કરાતા આંદોલનકારીઓએ આંદોલન કરવાની નવી તરકીબ શોધી આરોગ્ય કર્મચારી દ્વારા આંદોલન સામે પોલીસની કડકાઇને ધ્યાનમાં રાખીને ઘરબેઠા આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓએ હડતાળ યથાવત રાખી ઘરે ભૂખ હડતાળ શરૂ કરી છે અને કામનો બહિષ્કાર કર્યો છે
આરોગ્ય કર્મચારીઓને કેટલીય બેઠકો થઇ ગયા બાદ કર્મચારીઓએ હડતાળ યથાવત રાખતા પોલીસે કડાઇ દાખવવાનું શરૂ કર્યુ. રાજ્યભરમાંથી આવતા આરોગ્ય કર્મચારીઓએ આંદોલનને લીધે ગાંધીનગરમાં જ રહેવાનું શરૂ કર્યું હતુ, પણ સરકારની કડકાઇ વધતા આરોગ્ય કર્મચારીઓ તેમના ઘરે પહોંચ્યાં છે. પોલીસે આંદોલન કરતા કર્મચારીઓ સામે પોલીસ કેસનું શસ્ત્ર ઉગામતા આંદોલનનો રૂખ બદલાયો છે.
રાજ્યના 16 હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓએ દ્વારા ઘરબેઠા ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓના કહ્યા મુજબ આગામી બુધવારે તેમની ફાઇનલ મીટિંગ આરોગ્ય મંત્રી સાથે છે. પૂર્વે શનિવારે બેઠક યોજાઇ હતી. આ પછી રવિવારે પણ બેઠક યોજવામાં આવી હતી. હવે છેલ્લી બેઠક બુધવારે થાય તેવી સંભાવના છે. આ બેઠક પછી ખ્યાલ આવશે કે તેમના કેટલા પ્રશ્નોનો ઉકેલ આવ્યો અને કેટલા પેન્ડિંગ રહ્યા છે.