ગાંધીનગરના સેક્ટર -11 બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં યુવાનની ગોળી મારીને કરાઇ હત્યા

copy image

ગાંધીનગરના સેક્ટર -11 બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં આશરે 35 વર્ષીય કિરણ હીરાજી ઠાકોર (મકવાણા)ની ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે. આ ઘટનાથી ચકચાર મચી છે. બે હત્યારા પલ્સર બાઇક લઈને કિરણનો પીછો કરતાં હતાં અને મોકો મળતાં જ પાછળથી ગોળીબાર કરીને પલાયન થઈ ગયા હતા. આ ઘટનાને પગલે હાલમાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી રહી  છે.

ગાંધીનગરના ઈંદ્રોડાના ગામમાં રહેતાં કિરણ હીરાજી ઠાકોરના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. આશરે 35 વર્ષીય કિરણ સચિવાલય મધ્યે રોજમદાર તરીકે નોકરી કરતો હતો. આજે સવારના સમયે કિરણ નોકરીએ જવા માટે સાયકલ લઈને ઘરેથી નિકળ્યો હતો.

આ દરમિયાન સેક્ટર – 11 બીરસા મુંડા ભવન પાસે પલ્સર બાઇક ઉપર આવેલા બે અજાણ્યા ઇસમોએ કિરણનો પીછો કર્યો હતો. ત્યારબાદ મોકો મળતાં જ પાછળથી રિવોલ્વરથી ગોળી મારીને હત્યા કરીને પલાયન થઈ ગયા હતા. ઓફિસ સમયગાળા દરમિયાન ફાયરિંગનો બનાવ બનતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.

આ વિશે સૂત્રોએ જણાવ્યું હતું કે, કિરણ સચિવાલય ગૃહ વિભાગમાં રોજમદાર તરીકે છેલ્લા 13 વર્ષથી નોકરી કરતો હતો. આજે ઘરેથી સાયકલ લઈને કિરણ નોકરી જવા નિકળ્યો નિયમિત રીતે કિરણ ઉક્ત રસ્તેથી થઈને સચિવાલય જતો હતો. જેથી પલ્સર બાઇક પર આવેલા બંને હત્યારાને કિરણની ગતિવિધિઓની પહેલાથી જાણ હોવી જોઈએ. ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું હતું કે, 9MMની ગોળીથી કિરણની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં ડોગ સ્કવોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે.