કડીના ખંડેરાવપુરામાં ઝેરોક્ષની દુકાનની બારી તોડી ચોર લેપટોપની ચોરી કરી પલાયન સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ


કડી તાલુકાના ખંડેરાવપુરામાં ઝેરોક્ષની દુકાનમાંથી તસ્કરો બારી તોડી લેપટોપ ઉઠાવી પલાયન થઈ જતાં માલિકે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખંડેરાવપુરામાં રહેતા રજનીભાઈ પટેલ કે જેઓ આસ્થા ઝેરોક્ષ/ ઓનલાઈનની દુકાન ધરાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. રાબેતા અનુસાર તેઓ સાંજના સમયે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા અને રાબેતા મુજબ સવારે દુકાન ખોલી અને દીવાબત્તી કરીને જોયું તો દુકાનની પાછળ આવેલી સિમેન્ટની બારી તૂટેલી હાલતમાં હતી. જ્યારે દુકાનની અંદર તેમણે તલાસી કરતાં દુકાનની અંદર રહેલા લેપટોપ કિંમત રૂ. 32 હજારની તસ્કરી થઈ હોવાનું જણાતાં તેમણે આજુબાજુ તલાસી કરી અને સીસીટીવીમાં જોતાં બે ચોર લેપટોપ ચોરી જતાં હોય તેવું જોવા મળ્યું હતું. તેમજ એક સખ્શની કેડમાં છરી જેવું કાંઈક ભરાવેલું હોવાનું સીસીટીવીમાં કેદ થયું. આ અંગે રજનીભાઈ પટેલે કડીના બાવલુ પોલીસ મથકમાં દોડી આવીને પોતાની દુકાનમાં તસ્કરી થઈ હોવાની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.