ડભોલીમાં પાડોશીએે બીભત્સ ઇશારા કરી, બાળકીની કરી છેડતી


ડભોલીમાં બાળકીને ચોકલેટ આપવાનું કહી પાડોશીએ કારમાં બેસી જવાનું કહ્યું હતું. પરંતુ બાળકી તેના તાબે ન થતા બિભત્સ ઈશારા કર્યા અને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. બાળકીના પરિવારે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડભોલીમાં રહેતો જયેશ દયાળજી પટેલે નજીકમાં રહેતી માત્ર 11 વર્ષની બાળકી પર દાનત બગાડી આ બાળકી સ્કૂલે કે ટ્યુશન જતી ત્યારે તેનો પીછો કરી અવારનવાર પરેશાન કરતો હતો. રવિવારે બાળકી તેની બહેનપણીઓ સાથે ટ્યુશનેથી ઘરે આવવા માટે નીકળી ત્યારે જયેશે પોતાની કાર લઈ બાળકીનો પીછો કર્યો હતો અને તેને ચોકલેટ અપાવવાની લાલચ આપી કારમાં બેસી જવા માટે કહ્યું હતું. જોકે બાળકી કારમાં બેસી ન હતી.
તેથી જયેશે તેની સાથે જબરજસ્તી કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. બાળકીએ ઘરે આવી તેની માતાને આ વાત જણાવી પરંતુ જયેશ બાજુમાં જ રહેતો હોવાને લીધે બદનામીના ડરથી બાળકીની માતાએ કાર્યવાહી કરી નહી. ત્યાર પછી જયેશ બાજુના ઓટલા પર બેસી બાળકીને બીભત્સ ઇશારા કરતો હતો. જેથી બાળકીએ ફરીથી માતાને આ વાત જણાવી હતી.
આરોપી જયેશે એક વખત બાળકીની છેડતી કરવાનો પ્રયત્ન કર્યા પછી તેના માતા પિતા તરફથી કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા તેની હિંમત વધી હતી ત્યાર પછી પણ તેણે છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાળકીએ આ વાત માતાને જણાવી છેવટે બાળકીની માતાએ પતિને આ વાતની જાણ કરી હતી. બાદમાં બાળકીના માતા-પિતા જયેશને સમજાવવા ગયા જયેશે તેમને ગાળો આપી ધમકી આપી હતી. અંતે બાળકીની માતાએ જયેશ પટેલ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. બાળકીની માતાની ફરીયાદના આધારે પોલીસે જયેશ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે