નલિયાની બસમાં ધક્કામૂકી થતા મહિલાના ગળામાંથી 5 તોલાના મંગલસૂત્રની લૂંટ


મંગળવારે સવારે ભુજથી નલિયાની બસમાં ચડી રહેલા ગાંધીધામના મહિલાના ગળામાં પહેરેલું 1 લાખ 75 હજારની કિંમતનું સોનાનું 5 તોલાનું મંગલસૂત્ર કોઇ અજાણ્યો ઈસમ ખેંચીને છુ મંતર થઇ ગયો હતો.
ગાંધીધામ મધ્યે રહેતા હંસાબેન પ્રવિણભાઇ ભદ્રા (ભાનુશાળી) તેમના પતિ-પુત્ર સાથે નલિયા મધ્યે તેમના કુળદેવીના દર્શન કરવા માટે ગાંધીધામથી ભુજ આવ્યા હતા. આ દરમિયાન પોણા દસ વાગ્યાના આસપાસ ભુજના બસ સ્ટેશન પર આવીને નલિયા જતી એસટી બસમાં ચડવા જતાં હતા ત્યારે ભારે ભીડના લીધે ધક્કામૂકી થઇ હતી.
બસમાં ચડી ગયા પછી ફરિયાદી મહિલાને જાણ થઇ હતી કે, તેમણે ગળામાં પહેરેલું પોણા બે લાખનું સોનાનું 5 તોલાનું મંગળસૂત્ર કોઇ અજાણ્યો ઈસમ ચોરી ગયો છે. જેથી બસ નીચે ઉતરી આસપાસ તપાસ કર્યા પછી ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી.
હંગામી બસ સ્ટેશન જ્યારથી ચાલુ થયું છે, ત્યારથી અહીં લુખ્ખા તત્વો દ્વારા ચોરી, મારા મારીની ઘટનાઓ ઉપરાંત નશાયુક્ત હાલતમાં બાજુના રહેણાકના મકાનમાં ઘુસી ગયા હોવાનાં બનાવો સામે આવી ચુક્યા છે. અસામાજિક પ્રવૃતિથી ત્રસ્ત કંટાળેલા બસ સ્ટેશનની આસપાસની સોસાયટીઓમાં રહેવાસીઓ દ્વારા પૂર્વે બસ સ્ટેશન પર પોલીસ ચોકી શરૂ કરવા બાબતે પોલીસ વડાને લેખિતમાં અરજી કરીને માંગ કરાઈ છે. પણ હજુ સુધી પોલીસ ચોકી શરૂ ન થતાં આવા લોકોને મોકળું મેદાન મળી ગયું છે.