ખેડોઇની વાડીમાં 3 ઇસમે ખેડૂત પાસેથી મોબાઈલ અને રોકડની લૂંટ કરી

અંજાર તાલુકાના ખેડોઈ ગામમાં પૈસાની ઉઘરાણી માટે આવેલા સખ્શોએ ખેડૂતને માર મારી પૈસા ન આપે તો વાડીમાં દારૂ ઉતારવા દેવાનું કહી મોબાઈલ અને રોકડા રૂપિયા લૂંટ્યા હતા. બાદમાં ગંભીર ઈજા પહોંચાડવાના ઈરાદાથી આધેડ પાછળ કાર પણ દોડાવી હતી. જે બાબતે ખેડૂતે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

આ વિશે અંજાર પોલીસ મથકેથી ખેડોઈ ગામમાં રહેતા 46 વર્ષીય અનોપસિંહ ઉર્ફે મુન્નાભાઈ નરપતસિંહ ઉર્ફે બાદશાહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદને ધ્યાને રાખીને મળતી માહિતી અનુસાર આરોપીઓ ગાંધીધામના વસંત સોની અને તેની સાથેના બીજા બે અજાણ્યા સખ્શો કારમાં આવી ફરિયાદીની વાડીમાં ગુનાહિત પ્રવેશ કર્યો હતો.

વસંત સોનીએ ફરિયાદી પાસે રોકડા રૂપિયા 70 હજા૨ માંગતો હોવાથી તેણે રૂપિયા પરત આપ નહીં તો વાડી પર દારૂ ઉતારવા દે તેવું કહ્યું હતું, જેથી ફરિયાદીએ દારૂ ઉતારવા દેવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઇ જઈ ફરિયાદી સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ એક અજાણ્યા સખ્શે ફરિયાદીને બરણી મારવા જતાં ફરિયાદી નીચે નમી ગયા હતાં.

જેથી બરણી વાગી હતી નહિ. જેથી આરોપી વસંત અને બીજા સખ્શે ફરિયાદીને પકડી રાખી ધોકાથી ગંભીર ઈજાઓ પહોંચાડવાની ધમકી આપી ફરિયાદીનો રૂ. 10 હજારનો મોબાઈલ અને રોકડા રૂપિયા 7 હજાર બળજબરીથી ઝૂંટવ્યા અને આરોપીઓએ ફરિયાદીની પાછળ પોતાની બલેનો કાર ગંભીર ઈજા પહોંચાડવાના ઈરાદાથી દોડાવી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. જેથી ફરિયાદીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.