સુરતમાં SBI બેંકના ATMના સોફ્ટવેરમાં છેડછાડ કરી, ખોટી ફરિયાદ કરી રૂપિયા 1.30 લાખ મેળવી લીધા


સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM સેન્ટરમાં કેશ ઉપાડવાના બહાને જઇ ATMના કેશ ડિસ્પેન્સરને આંગળી વડે પકડી રાખી ભેજાબાજો સોફ્ટવેરમાં છેડછાડ કરી કેશ ઉપાડયા હતા અને પછી ઓનલાઇન કમ્પલેઇન કરી રીફંડ મેળવતા હતા. SBI બેન્ક મેનેજરે ભેજાબાજ વિરૂધ્ધ છેતરપિંડીની રાંદેર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
રાંદેર રોડની નવયુગ કોલેજની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર રાકેશ શ્રીકિશન યાદવએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નવયુગ કોલેજ શિવમ કોમ્પ્લેક્સ તથા મોરા ભાગળ ખાતે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATMમાં 4-8-2022 તથા 5-8-2022ના રોજ રૂપિયા ઉપાડવા આવનાર ઈસમો ATMમાં જઈ તેની પાસેનું ATM કાર્ડ રીડરમાં નાખી ATM પીન નાખી ત્યારબાદ ATM માંથી રૂપિયા કેશ ડિસ્પેન્સરમાં આવે ત્યારે કેશ ડિસ્પેનસરને આંગળીઓ વડે પકડી રાખી કેશ ડિસ્પેન્સર સાથે છેડછાડ કરી રહ્યા હતા અને ત્યાર પછી ડિસ્પેન્સરમાંથી રૂપિયા કાઢી લેતા હતા અને પછી કેશ ડિસ્પેન્સરને થોડી વાર પકડી રાખી છોડી દેતા હતા.
ભેજાબાજો દ્વારા કેશ ડિસ્પેન્સરને પકડી રાખવાથી સીસ્ટમના ડેટાબેઝ તથા અન્ય સોફ્ટવેર પ્રોગ્રામને નુકશાન પહોચ્યું હતું. તેમજ બેંકની કસ્ટમર કેરમાં ખોટી ફરિયાદો કરી કુલ રૂ. 1.30 લાખની રકમ પણ મેળવી લીધી હતી. આ સમગ્ર મામલે રાંદેર પોલીસે ગુનો નોંધી ભેજાબાજોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.