વરાછાનો વેપારી 9 લાખના ડાયમંડ લઇ ફરાર

નાના વરાછાના હીરાના વેપારીએ CVD હીરાનો રૂ. 9.11 લાખનો માલ ઉધારમાં લઈ વરાછાના હીરાના વેપારી સાથે છેતરપિંડી કરી હતી વેપારીએ રૂપિયાની માંગણી કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વરાછાના હીરાના વેપારીએ ઉજાસ મોતીસરીયાએ ફરિયાદ આપતા વરાછા પોલીસે ઠગ વેપારી રોહિત વલ્લભ પટેલ (રહે.મોમાઇનગર સોસા, નાના વરાછા, મૂળ રહે.અમરેલી) ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. ઠગ વેપારી ઘર અને ઓફિસ બંધ કરી ભાગી છૂટ્યો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ઠગ વેપારીએ ફરિયાદીને જણાવ્યું કે મારી પાસે એક વેપારી છે. જેને CVD હીરા નંગ-9 જરૂરીયાત છે. તમારી પાસે હોય તો મને આપો, હું તમને સમયસર પેમેન્ટ કરી આપીશ, આથી વેપારીએ તેના પર વિશ્વાસ કરી 9.11 લાખના CVD હીરા આપ્યા હતા અને 15 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો. 15 દિવસ પછી વેપારીએ ઉઘરાણી કરી તો 4 ચેકો આપ્યા હતા. આ ચેકો બેંકમાં નાખતા રિટર્ન થયા છે. પછી હીરાનો વેપારી તેની ઓફિસે ગયો જો કે ઓફિસ બંધ હતી.
થોડા દિવસ પછી લેભાગુ વેપારી મળી આવતા તેણે ભાગીદારીમાં કારખાનાંનું શરૂ કર્યુ હોવાની વાત કરી 9.11 લાખ સામે ગેલેક્ષી અને સરીન મશીન આપવાનો વાયદો કર્યો હતો અને બાકીના 1.57 લાખ 30મી સપ્ટેમ્બર સુધીમાં પરત કરવાનો વાયદો કર્યો હતો. જયારે વેપારી કારખાના પર મશીનરી લેવા ગયા તો ત્યાં રોહિત પટેલનું કોઈ ખાતું ન હતું. વેપારી આરોપીના ઘરે ગયો તો ઘર બંધ હતું. વરાછા મીના બજારમાં લેભાગુ વેપારી પાસે રૂપિયાની ઉઘરાણી કરતા હીરાના વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.