‘પેમેન્ટ આપી દઇશ’કહી વરાછાનો વેપારી નવ લાખના ડાયમંડ લઇ થયો છૂમંતર


નાના વરાછાના હીરાના વેપારીએ સીવીડી હીરાનો રૂ. 9.11 લાખનો માલ ઉધારમાં લઈ વરાછાના હીરાના વેપારી સાથે છેતરપિંડી કરી.વેપારીએ રૂપિયાની માંગણી કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. વરાછાના હીરા વેપારી ઉજાસ મોતીસરીયાએ ફરિયાદ આપતા વરાછા પોલીસે ઠગ વેપારી રોહિત વલ્લભ પટેલ(રહે,મોમાઇનગર સોસા, નાના વરાછા, મૂળ રહે,અમરેલી)ની સામે ઠગાઈનો ગુનો દાખલ કર્યો છે. ઠગ વેપારી ઘર અને ઓફિસ બંધ કરી નાસી છૂટ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર ઠગ વેપારીએ ફરિયાદીને જણાવ્યું કે મારી પાસે એક વેપારી છે. જેને સીવીડી હીરા નંગ-9 જરૂર છે. તમારી પાસે હોય તો મને આપો, હું તમને સમયસર પેમેન્ટ કરી આપીશ, આથી વેપારીએ તેના પર વિશ્વાસ મૂકી 9.11 લાખના સીવીડી હીરા આપ્યા હતા અને 15 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કર્યો. 15 દિવસ પછી વેપારીએ ઉઘરાણી કરી તો 4 ચેકો આપ્યા અને આ ચેકો બેંકમાં નાખતા રિટર્ન થયા. પછી હીરાનો વેપારી લેભાગુની ઓફિસે ગયો પરંતુ ઓફિસ બંધ હતી.
થોડા દિવસ બાદ લેભાગુ વેપારી મળી આવતા તેણે ભાગીદારીમાં કારખાનાંનું શરૂ કર્યુ હોવાની વાત કરી 9.11 લાખ સામે ગેલેક્ષી અને સરીન મશીન આપવાનો વાયદો કર્યો અને બાકીના 1.57 લાખ 30મી સપ્ટેમ્બર સુધીમાં આપવાનો વાયદો કર્યો. જયારે વેપારી કારખાના પર મશીનરી લેવા ગયા તો ત્યાં રોહિત પટેલનું કોઈ ખાતું હતું નહિ. વેપારી આરોપીના ઘરે ગયો તો ઘર પણ બંધ મળ્યું હતું. વરાછા મીનાબજારમાં લેભાગુ વેપારી પાસે રૂપિયાની ઉઘરાણી કરતા હીરાના વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.