રાજકોટમાં સફાઈ કર્મીએ વોર્ડ ઓફિસમાં ચોરી કરતા તેમજ મહિલા કર્મીએ અધિકારી સાથે ગેરવર્તૂણક કરતા સસ્પેન્ડ કરાયા

રાજકોટ મહાનગરપાલિકામાં બે સફાઈ કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે. જેમાં એક સફાઈ કર્મચારીએ વોર્ડ ઓફિસમાંથી તસ્કરી કરી હતી તો બીજા મહિલા સફાઈ કર્મચારીએ જાહેરમાં ઉપરી અધિકારી સાથે ગેરવર્તૂણક કરી. આથી બંને સફાઈ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. આ બંને પહેલા શો-કોઝ નોટિસ અપાઈ હતી પરંતુ બન્નેએ જવાબ આપવાનું માંડી વળતાં કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં. 18/બમાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા જિતેશ અમરશીભાઈ વાઘેલા દ્વારા વોર્ડ ઓફિસ મધ્યેથી ઉપયોગી સામાનની તસ્કરી કર્યા હોવાનું ધ્યાને આવવા બદલ શો-કોઝ નોટિસ અપાઈ હતી. આ બાબતે તેઓએ નિયત સમયમાં જવાબ રજૂ કર્યો નહિ. આથી જિતેશ વાઘેલાને તાત્કાલિક અસરથી તેઓને સોંપેલ ફરજ પરથી સસ્પેન્ડ કરાયા છે.
તેમજ શાખાના વોર્ડ નં. 6/કમાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા સવિતાબેન બચુભાઇ દાફડાને સુપરવાઈઝરી સ્ટાફ અને ઉપરી અધિકારી સાથે જાહેરમાં ગેરવર્તૂણક કરવા બદલ શો-કોઝ નોટિસ અપાઈ હતી. આ બાબતે તેઓએ નિયત સમયમાં જવાબ રજૂ કર્યો નહી. ઉપરાંત સરકારી કર્મચારીને ન શોભે તેવું અને તેમના સુપરવાઈઝરી સ્ટાફ તથા ઉપરી અધિકારી સાથે જાહેરમાં ઝઘડો કરી ગેરવર્તૂણક કરવા બદલ તાત્કાલિક અસરથી તેઓને સોંપેલ ફરજ પરથી સસ્પેન્ડ કરાયા છે.