પ્રોહિબીશનના ગુનામાં 15 મહિનાથી ફરાર મહિલા પકડાઈ


જૂનાગઢ બી ડિવીઝને પ્રોહિબીશનના ગુનામાં 15 મહિનાથી ફરાર મહિલાને રાજકોટથી પકડી પાડી છે. આ વિશે મળતી વિગત અનુસાર પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપીને પકડી લેવા રેન્જ ડીઆઇજી નિલેશ જાજડીયા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી. બાદમાં ઇન્ચાર્જ ડિવાયએસપી આર.વી. ડામોરના માર્ગદર્શનમાં બી ડિવીઝન સ્ટાફ દ્વારા ખાસ ડ્રાઇવ રખવામાં આવી હતી. દરમિયાન બી ડિવીઝનના વનરાજસિંહ ચુડાસમા, સંજયભાઇ માલમને બાતમી મળી કે, બી ડિવીઝનમાં પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા 15 મહિનાથી ફરાર આરોપી હિનાબેન પંકજભાઇ સોલંકી(ઉ.વ. 35, રે. રાજકોટ)હાલ રાજકોટમાં છે.
બાદમાં બી ડિવીઝન પીઆઇ એન.એ. શાહની સૂચના અનુસાર સ્ટાફે રાજકોટ જઇ આરોપી મહિલાને પકડી લઇ બી ડિવીઝન પોલીસ હવાલે કરી છે. આરોપી મહિલાની પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા તેની સામે જૂનાગઢ, જેતપુર, ધોરાજી વગેરે સ્થળે મળી કુલ 20 ગુના દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે.