સીડી રાખી ચોરો ફાર્મ હાઉસના બીજે માળ ઘૂસી 1.95 લાખની તસ્કરી કરી

નડિયાદના સલુણવાંટામાં આવેલ શ્રીશ્રી ફાર્મ હાઉસમાં નીસરણી મૂકી ઘૂસેલા ચોરો રૂા. 1.95 લાખની મત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.નડિયાદના સંતરામ વીલાની સામે આવેલ ખુશાલપુરા સલુણવાંટામાં આવેલ ફાર્મ હાઉસમાં જૈમિન પટેલ પરિવાર સાથે રહી ખેતી તેમજ કન્ટ્રકશન વ્યવસાય કરે છે. રાતના આઠ વાગ્યાના અરસામાં તેઓ નીચેના ભાગમાં પરિવાર સાથે ટીવી જોતા ભોજન કરી રહ્યા હતા.

રાતના દશ વાગ્યાની આસપાસ તેઓ સુવા માટે મકાનના ઉપરના ભાગમાં આવેલા તેમના બેડરૂમમાં જતા તેમનો રૂમ બંધ હતો. જેથી નીચેથી ચાવી મંગાવી રૂમનો દરવાજો ખોલતા તિજોરી અને લોકર ખુલ્લા નજરે પડ્યા હતા. જેથી તપાસ કરતા તિજોરીનુ તાળુ તેમજ લોકરનું તાળુ તુટેલુ જોવા મળ્યું હતુ. જેથી રૂમના પાછળના ભાગમાં તપાસ કરતા બારીનું લોક તુટેલુ હતું. ત્યારબાદ લોકરમાં તપાસ કરતા સોનાની અને પ્લેટિનમની બુટ્ટી કુલ રૂા. 60 હજાર તેમજ રોકડ રૂા. 1 .35 લાખની તસ્કરી થયાનું જણાયું હતું. બિલ્ડરે સીસીટીવી ચેક કરતા બે સખ્શો નીસરણી મૂકતા નજરે પડયા હતા. જેમાં એક સખ્શે નિસરણી પકડી હતી, જ્યારે બીજો સખ્શ નિસરણી પર ચડી રૂમની પાછળની બારીનુ લોક તોડી અંદર પ્રવેશતો નજરે પડ્યો હતો.