કેનેડાના બોગસ વિઝા બનાવી ત્રણ એજન્ટે 1.63 કરોડની કરી ઠગાઈ


કેનેડા મોકલવાનું કહી બોગસ વિઝા બનાવી રૂ.1.63 કરોડની ઠગાઇ કરનાર 3 એજન્ટ સામે એલિસબ્રિજ પોલીસે ગુનો દાખલ કર્યો છે.એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.ડી. પટેલને બાતમી મળી હતી કે, ગુજરાત કોલેજ સામેની હોટેલના કોફી લોન્જમાં કેટલાક લોકો કેનેડા જવા બાબતે મીટિંગ કરી રહ્યા છે.
આ બાતમીના આધારે તેમની ટીમે તપાસ કરતાં એજન્ટ હિરલ ભાવસાર, ઋષિકેશ ભાવસાર, રાજેશ પાત્રે, કમલ ગજ્જર કેનેડા મોકલવાની ચર્ચા કરી રગયા હતાં. પોલીસે એજન્ટો અને ત્યાં બેઠેલાં 5 જણા પાસેથી 10 પાસપોર્ટ જપ્ત કર્યા હતા, જેમાં દર્શાવેલ કેનેડાના વિઝા સાચા છે કે ખોટા તેની સઘન તપાસ કરતાં જાણવા મળ્યું કે, હિરલ ભાવસારે વડોદરામાં રહેતા એજન્ટ અમિત પટેલ વડે આશ્રમરોડની ગેલેક્સી હોલીડેના એજન્ટ અંકુર બ્રહ્મભટ્ટનો સંપર્ક સાધી પોતાની પાસે આવેલા ચાણક્ય દવે, નરેશ ચૌધરી અને ધૃદીપ ચૌધરીના કેનેડાના વર્કવિઝા અપાવવાનું કામ અંકુરને આપ્યું હતું. બધાએ સાથે મળી 1.63 કરોડ ઊઘરાવી બોગસ વિઝા બનાવી કૌભાંડ કરાયું હતું.