સગીરાને રસ્તા વચ્ચે ધમકી આપી કહ્યું કે : ‘પ્રેમસંબંધ નહીં રાખે તો છરીના ઘા ઝીંકી પતાવી દઈશ’


રાજકોટ શહેરમાં રહેતી અને ધો.12 માં અભ્યાસ કરતી છાત્રાનો પીછો કરી અવાર નવાર હેરાન કરી ધમકીઓ આપતા કિશોર સહિત ત્રણ ઈસમ વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં પોકસો અને ધમકી સહિતની કલમ અનુસાર ફરિયાદ દાખલ કરાવાઈ છે.
વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ પરથી માનવ શ્યામભાઈ વાઘેલા, ધવલ ઉર્ફે પિન્ટુ મનોજ વાઘેલા અને એક સગીર સામે 354 (ઘ), 504, 506(2), 114 અને પોકસો સહિતની કલમ તળે ગુનો નોંધીને ત્રણેયને સકંજામાં લઈ તમામની પુછપરછ શરૂ કરવામાં આવી છે. આરોપી માનવ સગીરાને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે અવાર નવાર દબાણ કરી સગીરાના ઘરની આજુ બાજુ આંટાફેરા કરતો હોવાનું ફરિયાદી દ્વારા જણાવ્યું છે. ઉપરાંત ઘણા સમયથી સગીરા જ્યારે ટ્યુશન કલાસ જતી હોય તે સહિતના સ્થળે પીછો કરી પજવણી કરતો.
એક વાર છાત્રાને રોકી આરોપી માનવે તેના મિત્રો પિન્ટુ અને એક સગીર સાથે મળી તેને પ્રેમસંબંધ નહી રાખે તો તેના છરીના ઘા ઝીંકી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે સગીરાએ તેના ઘરે જઇ પિતાને હકીકત જણાવી અને પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસ દ્વારા ત્રણેયને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરાઈ છે.