વાહનો ચોરી તેના સ્પેરપાર્ટ્સ વેચી દેતો ચોર પકડાયો


ભરૂચ એલસીબીની પએસઆઇ પી. એમ. વાળા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ગણેશ વિસર્જનના દિવસે સિંધવાઇ સોસાયટી પાસે ગુજરાતી સ્કૂલ પાસે એક એક્ટિવાની ચોરી થઇ હતી. તે ચોરી શહેરના મદિના પાર્ક નજીક રહેતાં અઝર ઉર્ફે પંડિત મહેબુબ શેખે કરી હતી.
જેના સંદર્ભે ટીમે તેની અટકાયત કરી તેની પુછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી કે, તેણે સિંધવાય સોસાયટી પાસેથી ચોરેલી એક્ટિવા સિવાય દશેક દિવસ પહેલાં મક્તમપુર ગામેથી અને પંદરેક દિવસ પહેલાં જીએનએફસી ટાઉનશીપ પાસેથી બાઇકની તસ્કરી કરી હતી. તેમજ તેણે કબુલ્યુ હતું કે, તે પૂર્વે ઓટો ગેરેજમાં કામ કરતો હોવાને કારણે વાહનો ચોરી કર્યાં પછી પોતાના ઘરના વાડામાં તેના તમામ સ્પેરપાર્ટ્સ છુટા કરી ભંગારમાં વેંચી દેવાતા હતાં. પોલીસે પકડાયેલા વાહનચોરની વધુ પુછપરછ શરૂ કરી છે.