લાયન્સ ક્લબની ચાલુ નવરાત્રીએ છરી ઉલળતાં દોડધામ મચી, એક ઇજાગ્રસ્ત

શિણાય પાસે આવેલી રમાડા હોટલ મધ્યે યોજાતી લાયન્સ ક્લબ આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગઇ રાત્રે ચાલુ નવરાત્રીમાં ભટકાઇ જવાના મુદ્દે બોલાચલી પછી છરી ઉલળતાં દોડધામ મચી હતી, આ ઘટનામાં એકને ઇજા થઈ હતી તો બે વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો.

અંતરજાળની ક્રિષ્ના સોસાયટીમાં રહેતા 21 વર્ષીય ગૌતમભાઇ નારાણભાઇ રામજીભાઇ જરૂ ગત રાત્રે તેમના મિત્રો દેવેન્દ્ર હમીર બવા અને પ્રકાશભાઇ રણધીરભાઇ જરૂ સાથે રમાડા હોટલ મધ્યે લાયન્સ ક્લબ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ જોવા ગયા હતા. ગરબીમાં ભીડ હોવાટી તેઓ ગરબી જોઇ રહ્યા હતા તે સમયે બે લોકો ગરબા રમતા હતા તે તેમની સાથે ભટકાતા઼ બંને લોકો ગાળો આપી હતી.

જેમને તેઓએ ગાળો બોલવાની ના કહેતા તેમને ધક બુશટનો માર મારવા લાગ્યા અને તેમના મિત્રો દેવેન્દ્ર અને પ્રકાશ તેમને છોડાવવા આવ્યા તો તેમાંથી એક સખ્શે છરી કાઢી ઉલાળતાં તેમને ડાબા પગમાં છરી લાગી તો તેમને બચાવવા આવેલા દેવેન્દ્રને પણ ડાબા હાથમાં છરી વાગી ગઈ હતી. આ ઝગડો થતાં ત્યાં હાજર લોકોએ તેમને છોડાવ્યા હતા.

પણ જતા જતા તેમણે બીજીવાર મળશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી પણ આપી ચાલ્યા ગયા. પાછળથી આ બંને ઇસમો મોટી ખેડોઇના યશરાજસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ જાડેજા હોવાનું જાણવા મળતાં આદિપુર પોલીસ મથકમાં બંને સામે તેમણે ફરિયાદ દાખલ કરાવી હતી. નવરાત્રી દરમિયાન રાત્રે બનેલ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોચી હતી.