માળિયા નજીક કચ્છની કાર 2 વર્ષના બાળક પરથી ફરી વળવાની અરેરાટી ભરી ઘટના ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે નોંધાઈ

માળિયા મિયાણા રેલ્વેની હોસ્પિટલ નજીક કામ કરી રહેલા મજૂર પરિવારના પાસે જ લીમડાના ઝાડ નીચે પોઢી રહેલા 2 વર્ષના બાળક ઉપરથી પુરપાટ ઝડપે જઇ રહેલી કચ્છ પાસિંગની કાર ફરી વળતાં મૃત્યુ પામવાની અરેરાટી ભરી ઘટના ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે નોંધાઇ છે, આ ઘટનામાં માં કાર ચાલક નાસી ગયો હતો.

મુળ રાજસ્થાનના 25 વર્ષીય નરસિંગ બાબુભાઇ ભાભોર અને તેમના પત્ની લાલીબેન તેમજ પરિવાર માળિયા મિયાણા રેલ્વે સ્ટેશન અંદરના ભાગમાં 66 કેવી ભૂર્ગભ ઇલેક્ટ્રીક લાઇન ગેટકો કંપનીનું કામ થઇ રહ્યું છે તેમાં તા.27/9 ના રોજ સાંજે રેલ્વે રેસ્ટ હાઉસ અને રેલ્વે હોસ્પીટલના પ્રવેશ દ્વાર પાસે કામ કરી રહ્યા હતા તે સમયે તેમના બે વર્ષીય પુત્ર વિજયને પીળા કપડામાં વીંટી નજીકના લીમડાના ઝાડ નીચે સુવડાવ્યો હતો. તે સમયે પૂર ઝડપે જઇ રહેલી કચ્છ પાસિંગની સફેદ કલરની કારના ચાલકે  સૂતેલા 2 વર્ષીય વિજય ઉપરથી ચલાવી ભાગી ગયો હતો. આ બનાવમાં તેમનો 2 વર્ષીય કુળ દીપક મૃત્યુ પામ્યો હતો. આ બનાવથી પરિવારમાં શોક છવાયો હતો તેમણે જીવલેણ અકસ્માત સર્જી પલાયન થઈ ગયેલા કાર ચાલક સામે ગાંધીધામ રેલ્વે પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.