વૃક્ષ નીચે પોઢેલા 2 વર્ષના માસૂમ પર કાર ફરી વળી


માળિયા મિયાણા રેલ્વેની હોસ્પિટલ પાસે કામ કરી રહેલા મજૂર પરિવારના નજીક જ લીમડાના ઝાડ નીચે સૂઈ રહેલા બે વર્ષના બાળક ઉપરથી બેફામ ગતિએ જઇ રહેલી કચ્છ પાસિંગની કાર ફરી વળતાં ચિર નિદ્રામાં સૂઈ ગયું હોવાની અરેરાટીભરી ઘટના ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે નોંધાઇ, હીટ એન્ડ રનના આ બનાવમાં કાર ચાલક ભાગી ગયો હતો. જેને ઝડપી લેવા માટે પોલીસે ઘનિષ્ઠ કાર્યવાહી આરંભી છે. હાઇવે પોલીસ પેટ્રોલિંગ કડક ન બનાવાતાં બેફામ દોડતા વાહનો છાશવારે નિર્દોષ જિંદગી પર પૂર્ણ વિરામ મુકી દેતા હોય છે ત્યારે પેટ્રોલિંગ કડક બને તે આવશ્યક છે.
મૂળ રાજસ્થાનના 25 વર્ષીય નરસિંગ બાબુભાઇ ભાભોર અને તેમના પત્ની લાલીબેન તથા પરિવાર માળિયા મિયાણા રેલ્વે સ્ટેશનના અંદરના ભાગે 66 કેવી ભૂર્ગભ ઇલેક્ટ્રીક લાઇન ગેટકો કંપનીનું કામ થઇ રહ્યું છે તેમાં સાંઇ કન્સ્ટ્રકશનના અમિતભાઇ રમેશભાઇ કાચા વતી ખોદકામ કરી રહ્યા છે. તા.27/9 ના રોજ સાંજે રેલ્વે રેસ્ટ હાઉસ અને રેલ્વે હોસ્પિટલના પ્રવેશ દ્વાર નજીક કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમના બે વર્ષીના પુત્ર વિજયને પીળા કપડામાં વીંટી પાસેના લીમડાના ઝાડ નીચે સુવડાવ્યો હતો.
તે દરમિયાન પૂર ઝડપે જઇ રહેલી કચ્છ પાસિંગની સફેદ કલરની કારનો ચાલક સૂઈ રહેલા 2 વર્ષીના વિજય ઉપરથી કાર ચલાવી નાસી ગયો હતો. આ હિટ એન્ડ રનના બનાવમાં 2 વર્ષીના કુળ દીપકનું મોત થયું હતુ. ઘટનાથી પરિવારમાં માતમ છવાયો હતો. અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલક વિરૂધ્ધ રેલ્વે પોલીસમાં ગુનો નોંધાયો છે.