હળવદના 13 ગામના ખેડૂતોનો વળતર મુદ્દે આક્રમક

હળવદ તાલુકાના ૧૩ ગામોમાંથી પસાર થતી ગોરખપુર-કંડલા LPG ગેસ પાઈપલાઇનમાં વળતરમાં ભેદભાવ થતો હોવાના આક્ષેપ સાથે ગઈ કાલે ખેડૂતોએ હળવદ મામલતદાર કચેરીમાં તેમજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ખેડૂતોએ યોગ્ય વળતર ચૂકવવા કંપની પાસે માંગણી કરી હતી અને જો કંપની દ્વારા ખેડૂતોની ‌માગ મુજબ વળતર ચુકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

હળવદ મામલતદાર કચેરી ખાતે ગઈ કાલે હળવદ તાલુકા જૂના દેવળીયા, પ્રતાપગઢ, ધનાળા, મયુરનગર, રાયસંગપુર, હળવદ, નવા ઘનશ્યામગઢ, જૂના અમરાપર, નવા અમરાપર, ઈશનપુર, માલણિયાદ, ઘણાદ અને રણમલપુર સહિતના ૧૩ ગામના ખેડૂતો મામલતદાર કચેરીએ ધસી આવ્યા હતા અને જય જવાન જય કિશાનના નારા સાથે આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કંડલાથી ગોરખપુર જતા રસ્તામાં LPG પાઇપલાઇન IHB કંપનીએ જે પાઇપલાઇન નાખવાની કામગીરી કરી છે, તેમાં જંત્રી મુજબનો ભાવ આપવામાં કંપનીએ આડોડાઇ કરી છે.

જેનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, જંત્રી મુજબનો ભાવ આપવામાં આવે. સાથે વધુમાં જણાવ્યું હતું કે, એક જ સર્વે નંબર વાળી જમીનમાં અલગ અલગ ભાવ આપવામાં આવે છે. જેથી આ ભાવ અમને મંજૂર નથી. જેથી કરીને સરકાર દ્વારા ખેડૂતોની જમીનમાંથી અલગ અલગ ગામોમાંથી પસાર થતી પાઇપલાઇનનું ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અન્યથા ખેડૂતો આગામી દિવસોમાં કંપની દ્વારા વળતર ચુકવવા મા નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.