કારના ચાલકે પ્રૌઢને ટક્કરે લીધા ‘પોલીસમાં છું’ કહીને થપ્પડો મારતા પ્રૌઢ ઇજાગ્રસ્ત

ગોંડલ નેશનલ હાઇવે પર જામવાડી ચોકડી નજીક વાહનની રાહમા ઉભેલા ગિરાસદાર પ્રૌઢને ત્યાંથી પૂર ઝડપે પસાર થતા કારના ચાલકે ઠોકરે લઇ ઇજા પહોંચાડી પછી પોતે પોલીસ હોવાનો રોફ જમાવી ગાળો આપતા માર મારતાં પ્રૌઢને ઇજા પહોચી હતી.

મુળ બંધિયાના અને હાલ ગોંડલમાં જેતપુર રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા દશરથસિંહ વિક્રમસિંહ વાઘેલા ઉ.૪૭ સવારે દશ વાગ્યે જેતપુર જવા માટે જામવાડી ચોકડીએ વાહનની રાહમાં ઉભા હતા આ સમયે રાજકોટ તરફથી પુરપાટે ધસી આવેલી જીજે 03 જેઆર.૭૮૮૧ નંબરની કારના ડ્રાઇવર સાઇડનો અરીસો દશરથસિંહની કોણી સાથે અથડાતાં તેમણે કાર ચાલકને કાર ધીમી ચલાવવાનું કહેતાં જ કાર ચાલક ઉશ્કેરાઇ ગયો અને તેમને ગાળો આપી તું મને ઓળખશ? હું લલીત ઠુંમર, પોલીસમાં છું એવું કહેતા દશરથસિંહે આઇ કાર્ડ માગતાં કાર ચાલકે થપ્પડો મારી હતી.

દશરથસિંહને ચાલકે કાર ચાલુ કરી તેમને કચડવાનો પ્રયાસ કર્યો જેથી દશરથસિંહ બોનેટ પર ટીંગાઇ ગયા હતા, છતાં કારના ચાલકે આશરે પાંચસો મીટર દુર કાર ભગાવી કાવો મારતાં બોનેટ પરથી દશરથસિહ ફંગોળાતા હાથ પગમા ફ્રેક્ચર થયું તથા માથામા ઇજા પહોચતા રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.