જૂની પેન્શનની માગ સાથે કર્મીઓ વિરોધ કાર્યક્રમ કરે તે પહેલાં પોલીસે કરી ધરપકડ


જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાંથી સત્યાગ્રહ છાવણી મધ્યે ઉમટી પડેલા સરકારી કર્મચારીઓ ધારણા કરે તે પહેલાં પોલીસએ ધરપકડ કરી લીધી હતી. આશરે ત્રણ હજાર જેટલા કર્મચારીઓની ધરપકડ કરીને ડીએસપી કચેરી, મગોડી એસઆરપી ગૃપ-12ના હેડક્વાર્ટર મધ્યે લઇ જવાયા હતા. જોકે કર્મચારીઓ દ્વારા પોતાની લડત ચાલુ રાખવાનો હુંકાર કરવામાં આવ્યો હતો.
સરકારે સરકારી કર્મચારીઓને લાગુ કરેલી નવી પેન્શન યોજનાથી નિવૃત્તિ સમયે કર્મચારીઓની આર્થિક હાલત કફોડી બની છે. જોકે સરકારી કર્મચારીઓ ત્રીસેક વર્ષની નોકરી કરવા છતાં પણ પેન્શનને હકદાર નથી તો પાંચ વર્ષમાં સત્તામાં મંત્રી પદ ભોગવનાર મંત્રીઓને પેન્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે કર્મચારીઓને થઇ રહેલા અન્યાયના વિરોધમાં કર્મચારીઓમાં સ્વયંભૂ રોષ ઉઠ્યો છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે રાજ્યભરના બધા કર્મચારીઓના સંગઠનો એક થયા હતા. પરંતુ તેને તોડી પાડવામાં રાજ્ય સરકાર સફળ બની છે.
જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી તેવા કર્મચારીઓ હવે જૂની પેન્શન યોજનાનો લાગુ કરવાની માંગણી સાથે વિરોધ કાર્યક્રમોની આરંભ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યભરમાંથી આશરે પાંચ હજાર જેટલા કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી મધ્યે ઉમટી પડ્યા હતા. જોકે કર્મચારીઓ ધરણાં કાર્યક્રમ કરે તે પૂર્વે જ પોલીસે અંદાજે ત્રણેક હજાર કર્મચારીઓની ધરપકડ કરીને પોલીસ વડાની કચેરી, મગોડી મધ્યેના એસઆરપી ગૃપ-12ના હેડક્વાર્ટર મધ્યે લઇ જવાયા હતા. જૂની પેન્શન યોજનાની લડત આગામી સમયમાં પણ ચાલુ રહેશે.