વિદેશમાં રહેતા ભાઈની ખોટી સહી કરી 2 ભાઈએ જમીનના ભાગ પાડી વેચી મારી


માણસા તાલુકામાં ખરણા ગામના ખેડૂત અમેરિકા ગયા હતા તે દરમિયાન તેમની જમીન બે ભાઈઓ વેચી મારી હોવાનું સામે આવ્યું. ખેડૂત વિદેશથી પાછા આવ્યા ત્યારે સમગ્ર કૌભાંડ અંગે તેમને ખબર પડતા સીટમાં અરજી આપતા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર માણસા પોલીસે ખેડૂતની ફરિયાદ દાખલ કરી છે. જેમાં ખરણા ગામના તેમના બે મોટા ભાઈઓ સામે ઠગાઇ અને વિશ્વાસઘાત નો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર માણસા તાલુકાના ખરણા ગામમાં 66 વર્ષીય દશરથભાઈ મથુરદાસ પટેલે આ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદી બે મોટાભાઈ કાળીદાસ મથુરદાસ પટેલ (ઘાટલોડિયા અમદાવાદ) અને બાબુભાઈ મથુરદાસ પટેલ (રહે- ન્યૂઝીલેન્ડ) છે. ત્રણેય ભાઈઓના નામથી ગામની સીમમાં આઠ વીઘા જેટલી વડીલો પાર્જિત જમીન આવેલ છે. જમીનનો વહીવટ દશરથભાઈના પિતાના 1984 માં થયેલા અવસાન પછી બાબુભાઈ કરતા હતા.
1995માં દશરથભાઈ અમેરિકા ગયા અને 2010માં તેઓ પાછા આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમની ગેરહાજરીમાં તેમના બંને ભાઈઓ દ્વ્રારા જમીનનો વહેંચણી લેખ અને સંમતિ જવાબ બનાવી જમીનની વહેંચણી કરી અલગ-અલગ નામે કરી દેવાઈ હતી. બાબુભાઈએ 2007માં પોતાના નામે થયેલ જમીન અન્ય એક ખેડૂતને વેચી પણ દીધી હતી. દશરથભાઈ અમેરિકાથી પાછા આવ્યા ત્યારે તેમને ખબર પડી કે જમીનની વહેંચણી થઈ ગઈ છે. જેથી તેઓ ખેતરમાં જઈ તપાસ કરતા હિસ્સાની સરખા ભાગે વહેંચણી થઈ હતી નહિ. જેથી તેમણે મામલતદાર કચેરીમાંથી વહેંચણી લેખની નકલ મેળવી જેમાં તેઓની ખોટી સહીઓ મળી આવી. જેથી સમગ્ર બાબતે તેઓએ એસઆઇટીમાં ફરિયાદ આપતા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર માણસા પોલીસે ફરિયાદ નોંધી હતી. જેમાં દશરથભાઈ પટેલના બંને મોટાભાઈ કાળીદાસ પટેલ અને બાબુભાઈ પટેલ સામે વહેંચણી લેખમાં ખોટી સહી કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરવા બદલ વિશ્વાસઘાત-ઠગાઇનો ગુનો દાખલ કર્યો છે