કિસાન કોંગ્રેસના પ્રમુખ અને અન્ય કાર્યકરોએ ખરાબ રસ્તાની નનામી કાઢી બેસણુ યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ


વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા જેતપુરની પાસેનુ ગામ છે અને લોકોનુ હટાણુ અને દવાખાનાના કામો પણ જેતપુર સાથે સંકડાયેલા છે. હનુમાન ખીજડીયાથી ચારણ સમઢીયાળાનો રસ્તો નવો બન્યા પછી ટુંક સમયગાળામા જ ખરાબ થઇ ગયો. છેલ્લા ચોમાસા પછી તો હવે આ રસ્તા પર વાહન ચલાવવુ પણ મુશ્કેલ બન્યું છે.
લોકો ઘણા સમયથી હાલાકીનો સામનો કરી રહ્યાં છે અને ગેરંટી પીરીયડમા જ રસ્તાને રીપેર કરવા માટે અમરેલીના કાર્યપાલક ઇજનેરને ત્રણ વખત લેખિતમા પણ માંગ કરવામાં આવી હતી. ત્યાર પછી પણ રસ્તાના પ્રશ્નનો નિરાકરણ ન આવતા આજે કિસાન કોંગ્રેસના પ્રમુખ સત્યમ મકાણી તથા અન્ય કાર્યકરો દ્વારા રસ્તાની નનામી કાઢી બેસણુ યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને પંદર દિવસમા આ પ્રશ્નનો નિરાકરણ નહી આવે તો ચુંટણીના બહિષ્કારની ચિમકી પણ અપાઈ હતી. તેમના દ્વારા આ પ્રકરણમા તંત્ર કોન્ટ્રાકટરને બચાવતુ હોવાનો આક્ષેપ પણ કરાયા હતા.