શિપિંગ કંપનીની ઓફિસના તાળા તોડી 1.95 લાખની માલમત્તાની તસ્કરી કરાઇ


ગાંધીધામના વોર્ડ-9/બી-ડી માં આવેલી શિપિંગ અને લોજિસ્ટિક કંપનીની ઓફિસના તાળા તોડી ચોરે રૂ.1.95 લાખની ચોરીને અંજામ આપ્યો છે જેમાં ચોર રૂ.24 હજારની વિદેશી ચલણી નોટો પણ ઉપાડી ગયા અને ઓફિસમાં ડીવીઆર પણ ચોરી લીધુ હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી છે.
વોર્ડ-7/સી ગુરૂકુળ વિસ્તારમાં રહેતા ઓસિયેનિક ડોલ્ફીન શિપિંગ અને લોજિસ્ટિક સર્વિસિસના માલિક વિશાલ ઓમબહાદુર થાપાએ દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે 8 વાગ્યે તેમની વોર્ડ-9/બી/ડી માં આવેલી ઓફિસનો ઓફિસબોય નરેશભાઇ ચૌહાણ ઓફિસ બંધ કરીને ગયો હતો. આજે સવારે પોણા દશ વાગ્યાના સમયગાળામાં નરેશભાઇએ તેમને ફોન કરી જાણ કરી હતી કે, આપણી ઓફિસના તાળા તૂટ્યા છે.
જાણ થયા પછી તેમણે ઓફિસ પહોંચી તપાસ કરી તો ઓફિસના લોકરમાંથી જે લોકરની ચાવી ઓફિસમાં જ રહે છે તેમાં રાખેલા રૂ.1,50,000 રોકડ રકમ, રૂ.12,000 ની કિંમતની લક્ષમી માતાની ચાંદીની બે મૂર્તીઓ, રૂ.6,000 નીસ કિંમતના ડોલફિનના ચાંદીના 5 સિક્કા તથા આ જ લોકરમાં રાખેલી રૂ.24,000 ની કિંમતની વિદેશી ચલણની 24 નોટો ઉપરાંત સીસી ટીવી કેમેરાનું રૂ.3,000નું ડીવીઆર મળી કુલ 1,95,000 ની તસ્કરી કરી ગયા હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી.