સાયલા તાલુકાના કંસાળા ગામે દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ, 2 આરોપી ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કંસાળા ગામમાં સરકારી ખરાબામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ હતી. જો કે દારૂ ગાળનારા બે બુટલેગર પોલીસને ચકમો આપી પલાયન થઇ ગયા હતા. જેથી પોલીસે સ્થળ ઉપરથી ગેસના ચૂલા-બાટલા, આથો અને બેરલ સહિતનો જથ્થો પોલીસે જપ્ત કરી ગુનો નોંધ્યો હતો. સાયલા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કંસાળા ગામના વેલજી ભીમાભાઇ મારુણીયા અને મહિપત ભીમાભાઇ મારૂણીયા તેની વાડીના શેઢે સરકારી ખરાબામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે. તેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
તે દરમિયાન દેશી દારૂ લીટર 250, જેની કિંમત રૂ. 5,000 તથા દેશી દારૂ બનાવવાનો આથો 10,400 જેની કિંમત રૂ. 20,800, ગેસના ચૂલા નંગ ત્રણ 1500, ગેસના બાટલા નંગ સાત જેની કિંમત રૂ. 3500, ભઠ્ઠીના બેરલ નંગ ત્રણ જેની કિંમત રૂ. 300 મળી મળી કુલ રૂ. 31100 મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જો કે દારૂની ભઠ્ઠી ચલાવતા બુટલેગરો ચકમો આપી ભાગી ગયા હોવાનું ખુદ પોલીસ દ્વારા જણાવાયુ છે. જેથી બંને આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.