ભુજની અદાણી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં છાત્રોના રૂ.1.87 લાખનાં 11 મોબાઈલ ફોન ચોરાયા.

ભુજની અદાણી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં છાત્રોના 11 મોબાઈલ ફોન(રૂ.1,87,000)ની ચોરી થઈ હતી. જે બાબતે ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશમાં અજાણ્યા આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ અંગે મેડિકલ કોલેજની હોસ્ટેલમાંથી જે છાત્રોના મોબાઈલ ફોન ચોરાયા છે તે પૈકી ગૌરવ મિથિલેશકુમાર મિશ્રાએ ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે સવારનાં સમયમાં કોલેજની હોસ્ટેલનાં જુદા-જુદા રૂમોમાંથી વિધાર્થીઓનાં કુલ 11 મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી છે. જે 11 મોબાઈલ ફોનની કિંમત રૂ.1,,87,000 થવા જાય છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભુજની અદાણી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં અને હોસ્ટેલમાં રહેતા છાત્રોની તથા તેમના માલ સામાનની સલામતી કેટલી છે ત્યારે આ ઘટના પરથી જાણી શકાય છે. દર વર્ષે લાખો રૂપિયાની ફી વસુલતી મેડિકલ કોલેજના છાત્રો જે હોસ્ટેલમાં રહે છે ત્યાં સીસી ટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે કે કેમ? હોસ્ટેલમાં છાત્રોનાં માલ-સામાન આવી રીતે ચોરાઇ જાય ત્યારે અન્ય બાબતોની સલામતીની જવાબદારી કોની? તેવા સવાલો પણ જાગૃત જનોમાં થયા છે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં છાત્રે રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાંથી આવીને રહે છે ત્યારે તેમના માલ-સામાન ગુમ થવા માટે કોલેજનું મેનેજમેન્ટ કેટલું સજાગ છે તેનો ખ્યાલ પણ આ ઘટના પરથી આવી જાય છે.