‘તું રવિવાર સુધીમાં ગામ મૂકી દેજે, નહીંતર જીવવા નહીં દઇએ’, યુવતીના ભાઇ અને કાકાએ હુમલો કર્યો અને મારી નાખવાની ધમકી આપી

copy image

જેતપુરમાં પ્રેમસંબંધ મામલે સમાધાન કરવા બોલાવી શબીર નામના યુવક પર યુવતીના ભાઈ અને કાકાએ છરીથી હુમલો કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ જેતપુરના નવાગઢમાં વર્ધમાન ડાઇંગ પાસે રહેતા શબીરભાઇ યુસુફભાઇ સોલંકી (ઉ.વ.21) નામના યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, હું મારા ઘરે હતો ત્યારે માને MG રોડ પર રહેતી યુવતી સાથે મારો પ્રેમ સબંધ છે અને આ બાબતની તેમના ઘરે ખબર પડી જતા યુવતીના કાકા નિલેશભાઇ ચીતલીયાનો મને અને મારા પિતાને ફોન આવ્યો હતો કે તમો સમાધાન કરવા માટે આવો, અને આ બાબતે અમારે ત્રણ દિવસ પહેલા આ લોકો સાથે બોલાચાલી થઇ હતી

સમાધાન માટે ફોન આવતા હું, મારા પિતા તેમજ મારા મામા હુસેનભાઇ હારૂનભાઇ લુલાણીયા સાથે જેતપુરના સારંગપુલ ગામ પાસે આવેલા એક કારખાનામાં બોલાવેલી જગ્યાએ ગયા હતા. ત્યાં સમાધાનની વાત ચાલતી હતી તે દરમ્યાન યુવતીનો ભાઇ ભવ્ય ચિતલીયા ઉશ્કેરાઇ ગયો અને મારા હાથમાં છરીનો ઘા મારી દીધો હતો અને તેના કાકા નિલેશભાઇએ પણ મને ઢીકાપાટુનો મુંઢમાર મારીને કહ્યું હતું કે તું રવિવાર સુધીમાં ગામ મૂકી દેજે નહીંતર તને મારી નાખીશું તેવી ધમકી આપવામાં આવી અને નાસી છૂટ્યા હતાં. ત્યાર પછી  ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો હતો. આ બનાવ અંગેની ફરિયાદ પરથી જેતપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ A.M.ઓડેદરાએ ગુનો નોંધી બન્ને શખ્સોની શોધખોળ આદરી હતી.