ચુડવા પાસે 29.20 લાખના વાહનોના ભંગાર સાથે 3 શખ્સો ઝડપાયા


ગાંધીધામ નજીક ચૂડવા પાસે પૂર્વ બાતમીના આધારે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ગૃપની ટીમે દરડો પાડી ગેરકાયદેસર રીતે વાહનોનું કટિંગ કરેલા રૂ.29.20 લાખના ભંગાર સાથે ત્રણ શખ્સોને પકડી વધુ તપાસ માટે બી-ડિવીઝન પોલીસને સોંપ્યા.
પૂર્વ કચ્છ SOGના PI એસ.એન.ગડ્ડુએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમને મળેલી બાતમીના આધારે ચુડવા સીમમાં આવેલા પ્લોટ નંબર 160 અને 161 શ્રી રામ ટ્રેડર્સ પાસે સુભાષનગર રહેતા રામજીભાઇ રામદાસ પાઠકે ટ્રક નંબર GJ-01-AT- 1555ને ભંગારમાં કટિંગ કરવા તથા વાહન નોંધણી રદ્દ કરવા અંગેની RTO માન્ય વાંધા પ્રમાણપત્ર નહી મેળવી ગોપાલ રીખઇ સહાની અને દુર્ગેશકુમાર કપીલમુની મિશ્રા પાસેથી ગેરકાયદેસર કટિંગ કરાવેલા રૂ.29,20,950 ના ચોરાઉ વાહનોના કટિંગ થયેલા ભંગાર સાથે ત્રણે ઇસમોની અટક કરી વધુ તપાસ માટે બી-ડિવિઝન પોલીસને સોંપ્યા હતા. SOG એ 2 ટ્રેઇલર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે પૂર્વ કચ્છમાં બાઇક થી લઇ મોટા વાહનોની ચોરીઓ વધી રહી છે આ ચોરાઉ વાહનો કટિંગ કરી ભંગારમાં વેંચાણ કરવાનો કાળો કારોબાર મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે તેવામાં પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી આવા ધંધા કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. આ બાબતે જાણકાર સૂત્રોને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, જો વહાનોની લે-વેંચ કરતા તત્વોની કડક તપાસ કરવામાં આવે તો ચોરાઉ વાહનો તોડી ગેરકાયદેસર ભંગારના ધંધાનો પર્દાફાશ થઇ શકે તેમ છે.