અમદાવાદમાં સિંગાપોર ટૂરને બહાનાથી સિનિયર સિટીઝન સાથે 3 લાખની કરાઇ છેતરપિંડી

ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા યુવકે આંબાવાડીનાં સિનિયર સિટીઝન મહિલાને સિંગાપોરના વિઝા, ટિકિટ અને હોટેલની સુવિધા કરાવી આપવાનું કહી 3 લાખ પડાવી લેતાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ઠગ યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે.

આંબાવાડીમાં રહેતાં વૃદ્ધ મહિલાને પરિવાર સાથે સિંગાપોર ફરવા જવું હોવાથી તેમણે ગૂગલ પરથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા યુવકનો સંપર્ક સાધ્યો હતો. આ યુવકે વૃદ્ધાને સિંગાપોરના વિઝા, ટિકિટ અને હોટેલની સુવિધા કરાવી આપવાનો વિશ્વાસ આપી રૂ. 3 લાખ પડાવી સિંગાપોરની ટિકિટ ન આપી છેતરપિંડી કરતાં સેટેલાઈટ પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આંબાવાડીના આકાશદીપ ડુપ્લેક્સમાં રહેતાં કલ્યાણીબેનને પરિવાર સાથે સિંગાપોર ફરવા જવું હોવાથી ગૂગલ સર્ચથી થલતેજની જયમાત્રી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું સરનામું મેળવી રોનક પટેલ નામના યુવકનો સંપર્ક સાધ્યો હતો. રોનકે તેમને સિંગાપોરના વિઝા, ટિકિટ અને હોટેલની સુવિધા કરાવી આપવાનું કહેતાં કલ્યાણીબેને તેના પર વિશ્વાસ રાખી રૂ. 25 હજાર યુપીઆઈ પેમેન્ટથી કર્યા હતા. ત્યાર પછી રોનકે અવારનવાર ટિકિટ અને અન્ય ખર્ચના પૈસાની માગણી કરી રૂ. 3 લાખ મેળવી લીધા હતા. તેણે ટિકિટ બુક થઈ ગઈ હોવાનું જણાવતાં કલ્યાણીબેને ટિકિટનો ફોટો મગાવ્યો ત્યારે રોનકે ટિકિટ કેન્સલ થઈ ગઈ છે તેમ જણાવ્યું હતું. આથી કલ્યાણીબેને પૈસા પાછા’ માગતા રોનક પૈસા આપવા ગલ્લાંતલ્લાં કરતો હતો, જેથી કલ્યાણીબેને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં રોનક પટેલ સામે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.