અમદાવાદમાં રિક્ષામાં મુસાફરની નજર ચૂકવી રોકડ, દાગીનાની તસ્કરી કરતા સસરા-જમાઈ ઝડપાયા

શટલ રિક્ષામાં બેઠેલા મુસાફરોની નજર ચૂકવી તેમની કીમતી સામાનની ચોરી કરતી ગેંગના બે સભ્યની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી છે. આ બંને સંબંધમાં સસરા-જમાઈ થાય છે. ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ. એમ. વ્યાસની ટીમે બાતમીના આધારે મોહંમદ નવાઝ ઉર્ફે સલમાન શેખ (ગઝાલા રોહાઉસ, સરખેજ) તથા અબ્દુલ અરબ (ગ્રીન ડુપ્લેક્સ, ફતેવાડી)ને ફતેવાડી કેનાલ પાસેથી પકડી લીધા હતા. બંને અમદાવાદ તથા બીજા શહેર-જિલ્લાના પેસેન્જરોની સામગ્રીની ચોરી કરવાના ગુનામાં ઝડપાયા છે.

તેમણે ગુનામાં જામીન પર છૂટ્યા પછી બીજા સાગરીતો સાથે મળી સંખ્યાબંધ ગુના આચર્યાની કબૂલ્યુ હતું. બંનેએ 25 દિવસ પૂર્વે વીએસ હોસ્પિટલ પાસે એક મહિલાને રિક્ષામાં બેસાડી તેના 14 હજારની ચોરી કરી હતી. 15 દિવસ પહેલાં બાવળાથી એક પેસેન્જરને રિક્ષામાં બેસાડી થેલામાંથી બે લાખ ચોરી કરી લીધા હતા. 10 દિવસ પૂર્વે સાઉથ બોપલમાં એક કોલેજિયનની બેગમાંથી ચાંદીના 1 કિલો 400 ગ્રામ દાગીનાની ચોરી કરી હતી. 10 દિવસ પૂર્વે સારંગપુરમાં એક મુસાફરના 500, ગીતામંદિર પાસે એક પેસેન્જરનો ફોન તથા પાલડીમાં એક મુસાફરનો આઈફોન ચોરી કરવા સહિત 14 ગુનાની કબૂલાત કરી હતી.

બંને આરોપીઓ તેમના સાગરીતો સાથે મળી ગેંગ બનાવતા, જેમાં એક મેમ્બર રિક્ષા ચલાવતો, જ્યારે બે પેસેન્જરના સ્વાંગમાં પાછળ બેસતા. કોઈ પેસન્જર આવે તો તેને વચ્ચે બેસાડી બેગ સીટ પાછળ કે પગ પાસે મુકાવ્યા બાદ પેસેન્જરની નજર ચૂકવી એક મેમ્બર બેગ કે થેલામાંથી ચોરી કર્યા પછી ડ્રાઇવરને ઈશારો કરી રિક્ષામાંથી ઊતરી ભાગી જતો હતો.