વરાછામાં બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ ચશ્મા વેચતો દુકાનદાર પકડાયો


વરાછામાં બ્રાન્ડેડ કંપનીના જુદા જુદા ફેમના ચશ્માના નામે નકલી ચશ્માનું વેચાણ કરતા એક દુકાનદાર સામે વરાછા પોલીસે કાર્યવાહી કરી છે. બ્રાન્ડેડ કંપનીના ચશ્મા વરાછામાં નકલી બનાવી વેચાણ કરતા હોવાની માહિતી કંપનીના ઇન્વેસ્ટીગેશન ઓફિસર સંજય વર્માને મળી હતી. આથી આ ઓફિસરે વરાછા પોલીસની મદદ લઈ વરાછાના લંબેહનુમાન રોડ પર આવેલી સ્વસ્તિક સોસાયટીમાં બેગની દુકાનમાં ચેકિંગ હાથ કર્યું હતું.
આ દરમિયાન ત્યાંથી બ્રાન્ડેડ કંપનીના નકલી ચશ્મા રૂ. 35 હજારની કિમતના મળી આવ્યા હતા. આ વિષે કંપનીના ઓફિસરે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે વરાછા પોલીસે દુકાનદાર પ્રવિણ સુરેશ નીગમ (રહે, સુરભીવિહાર સોસાયટી, પુણાગામ)ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી શહેરમાં બ્રાંડેડ કંપનીઓના નામે નકલી માલનું વેચાણ વધ્યું છે.