રાજકોટમાં TVSના શો-રૂમમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી: કાર અને બાઈક બળીને ખાખ


રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા TVSના શો-રૂમમાં આજે સવારે આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી જવા પામી હતી. આગ એટલી ભીષણ હતી કે શો-રૂમમાં કાર અને બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. જેને લીધે લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. આગ વધુ પ્રસરે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હાલ ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અચાનક લાગેલ આગના કારણે 10થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.હાલ આગ ક્યા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી.
શહેરના ગોંડલ રોડ પર આવેલા પર TVSનો શો-રૂમ આવેલો છે. આ શો-રૂમમાં વહેલી સવારે અચાનક આગ લાગી ગઈ અને શો-રૂમ માંથી આગના ધૂમાડા નીકળવાનું શરૂ થતાં આજુ-બાજુમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા. જોત જોતામાં શો-રૂમ ભડકે બળ્યો હતો અને અંદર કાર તથા બાઈક સહિતનો મુદામાલ સળગી ઉઠ્યો હતો. જેને લીધે સ્થાનિકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
આગે થોડી પળોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેથી દૂર-દૂર સુધી આગના લબકારા દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા.આજુ બાજુમાં આવેલી બીજી દુકાનો પણ આગની લપેટમાં આવે તેવી સ્થિતિ સર્જાઇ ગઈ હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો છે.