ગોંડલના સાંઢીયા પુલ પર બે બાઈક વચ્ચે સામાન્ય ટક્કર થતાં રોડ પર પટકાતા બાળકીનું મોત


ગોંડલ શહેરના મોટી બજારમાં રહેતો પરિવાર રાત્રીના નેશનલ હાઇવે પર હોટલમાંથી જમીને ઘરે પાછા ફરતો હતો તે દરમિયાન સાંઢીયા પુલ પર ત્રિપલ સવારી બાઈક સાથે બાઈકની સામાન્ય ટક્કર થતા નવ વર્ષની માસુમ બાળકી રોડ પર પટકાતા પરિવારની નજર સામે જ તેનું કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર શહેરની મોટી બજારમાં લક પાનની દુકાન ધરાવતા અને દેવપરા ચોકમાં રહેતા ફરહાનભાઈ સરદારીયાના માળીયા હાટીના ગામમાં રહેતા દીકરી જમાઈ ઘરે આવતા દીકરી જમાઈ, દીકરો અને નાની દીકરી માહી ઉંમર વર્ષ 9 નેશનલ હાઇવે પર હોટલમાં જમવા ગયા હતા. જમીને ઘરે પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન દીકરી જમાઈની સાથે માહી બાઈકમાં બેઠી હતી. તે દરમિયાન સામેથી આવતા બાઈક સાથે સામાન્ય ટક્કર થતાં પાછળ બેઠેલી માહિ રોડ પર પટકાતા તેને માથાના ભાગમાં હેમરેજ થઈ જતાં તેનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું.
આ ઘટનાની જાણ પાલિકાના વોટર વર્કસ શાખાના ચેરમેન અને ફરહાનભાઈના પિતરાઈ આસિફભાઇ ઝીકરીયાને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. શિફ્ટ કાર ચાલકની મદદ લઈ માહીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડાઈ હતી. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ માહીનું મોત નીપજી જતા પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો. માહી ચોથા ધોરણમાં ભણતી હતી અને પરિવારમાં નાની હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.