શેર બજારમાં રોકાણથી મોટા નફાની લાલચ આપી 96.92 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ


કડીની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા એક કંપનીના માલિક અને તેમના મિત્રો સાથે કડી, સુરત, અમદાવાદના 6 ઇસમોએ કાવતરું રચી શેરબજારમાં નાણાં રોકી મોટો ફાયદો કરાવી આપવાનો વિશ્વાસ આપી રૂ. 96.92 લાખની ઠગાઇ કરી હોવાની ફરિયાદ કડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવાઈ છે.કડીના મેહુલભાઇ મનુભાઇ પટેલ તેમજ તેમના મિત્રોને શેર બજારમાં નાણાં રોકો તો મોટો ફાયદો કરી આપીશું તેવો 6 ઇસમોએ વિશ્વાસ આપી ડિસેમ્બર 2021 થી 2 સપ્ટેમ્બર 2022 સુધીમાં તેમની પાસેથી રૂ. 96.92 લાખ લઇ વિશ્વાસઘાત કરી ખોટું રેકર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ઠગાઇ કરી હતી.
દેસાઇ અરૂણભાઇ નવિનચંદ્રના નામનું વેલવર્થ કંપનીનું ખોટું સ્ટેટમેન્ટ બનાવી બનાવટી દસ્તાવેજ બનાવ્યો હતો. જે અંગે મેહુલભાઇ મનુભાઇ પટેલે કડી પોલીસ સ્ટેશનમાં રાજન અરવિંદભાઇ શાહ, અરવિંદભાઇ અમરતલાલ શાહ, કેતન અરવિંદભાઇ શાહ (ત્રણેય સપના સોસાયટી, કડી-થોળ રોડ), મનન જતિનભાઇ શાહ ( જૈન દેરાસરની પાછળ ફ્લેટમાં કડી), કોરડીયા શ્વેત ધીરજભાઇ (સુરત) અને પૂર્વ પટેલ (અમદાવાદ) સામે ઠગાઇ અંગે ફરિયાદ દાખલ કરાવી છે.