વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા યુવકે ઝેરી દવા પી લીધી

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મેટોડા GIDC ગેટ નં. 2 નજીક શેડ ભાડે રાખી સ્‍ટારએજ નામનું કારખાનુ ધરાવતા અને CNC પાર્ટનું ભાગીદારીમાં જોબવર્ક કરતા યુવકે વ્‍યાજખોર અજય બટુકભાઇ બામટા તથા તેજસ સભાડના ત્રાસથી પોતાના કારખાને ઝેરી દવા પી લેતા પ્રથમ મેટોડા પછી રાજકોટ ખાનગી હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયત્ન કરનાર યુવકે લોધીકા પોલીસ મથકમાં વ્‍યાજખોર અજય બામટા તેમજ તેજસ સભાડ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવી હતી. ફરીયાદમાં જણાવ્‍યા અનુસાર 3 માસ પૂર્વે મિત્રના મિત્ર અજય બટુકભાઇ બામટા પાસેથી 15 ટકાના વ્‍યાજે 50 હજાર લીધા અને સમયસર વ્‍યાજ ચુકવતો હોવા છતા મુદલ રકમની પઠાણી ઉઘરાણી કરતા હોવાટી દિવાળી પછી આ રકમ આપી દેવાનું કીધુ હતું. તેમ છતા ઘરે ઉઘરાણી કરવાની ધમકી આપતો હતો. ઉપરાંત એક માસ પહેલા તેજસ સભાડ પાસેથી 15 ટકાના વ્‍યાજે 50 હજાર લીધા હતા. તેનું પણ વ્‍યાજ ચુકવી દીધું હોવા છતા આ બંને ઇસમો પઠાણી ઉઘરાણી કરી મૂળ રકમ આપવા ત્રાસ આપતા હોવાથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી.