વડોદરામાં ટ્રેક્ટર ચાલકે પરીક્ષા આપી ઘરે જતી સાઇકલ સવાર વિદ્યાર્થિનીને ઠોકરે લેતા ગંભીરરીતે ઇજાગ્રસ્ત

copy image

વડોદરા શહેરના કારેલીબાગ વુડા સર્કલ નજીક ટ્રેક્ટરની ઠોકરે સાઇકલ સવાર વિદ્યાર્થિની આવી જતા માથા સહિત શરીરના અન્ય ભાગમાં ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ધો.11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પરીક્ષા આપીને ઘરે પરત જઇ રહી હતી તે દરમિયાન પુર ઝડપે પસાર થઇ રહેલા ટ્રેક્ટર ચાલકે ઠોકરે લેતા આ બનાવ બન્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીની હાલત ગંભીર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતી ખૂશી રાજપૂત (ઉં.વ.16) કારેલીબાગમાં આવેલી શ્રી ક્રૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. આજે બપોરે તે પરીક્ષા આપીને પોતાની સાઇકલ લઇને ઘર તરફ જઇ રહી હતી તે સમય દરમિયાન કારેલીબાગ વુડા સર્કલ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેક્ટરની ઠોકરે આવી ગઇ હતી. આ બનાવ બનતા જ સ્થાનિક લોકો ટોળે વળી ગયા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

ટ્રેક્ટરની ઠોકરે આવી ગયેલી વિદ્યાર્થિનીની સાઇકલ ટ્રેક્ટરના તોતીંગ પૈડાં નીચે આવી જતા સાઇકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને વિદ્યાર્થિની રોડ ઉપર પટકાવાના કારણે તેને માથામાં અને શરીરના અન્ય ભાગમાં ઇજાઓ થઈ હતી. આ બનાવ બનતા ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર સ્થળ છોડી નાસી ગયો હતો. જેના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ઉઠ્યો હતો.

સામાજિક કાર્યકર કમલેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, કારેલીબાગ વુડા સર્કલ નજીક અવાર-નવાર અકસ્માતના બનાવો સર્જાય છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં, તંત્રને વુડા સર્કલ નજીક અકસ્માતો ઉપર નિયંત્રણ આવે તેવા કાર્યવાહી કરવા માટે રજૂઆતો કરાઈ છે. પરંતુ, તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી. પરિણામે અવાર-નવાર વુડા સર્કલ નજીક જીવલેણ અકસ્માતોના બનાવો બને છે.