ગોત્રીમાં ઘર પાસે બેઠેલા ધો.11ના છાત્ર અને તેના મિત્ર પર 5 ઇસમોએ કર્યો હુમલો


શહેરના ગોત્રી વિસ્તારમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર એક યુવક અને તેના મિત્રોએ હુમલો કર્યો હતો. આ ઘટના અંગે સગીરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગોત્રી પોલીસે ઘટના સંબંધે આરોપીની ખોજ શરૂ કરી છે. આ ઘટનામાં સગીરના મિત્રને માથામાં ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આરોપી યુવક સગીરને ફોન કરીને અવાર-નવાર બોગસગીરી બંધ કરવાનું કહીને ધમકી આપતો હતો.
અંગે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અને ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીએ ફરિયાદ દાખલ કરાવી હતી કે, સપન ચાર રસ્તા પાસે પાનનો ગલ્લો ધરાવતો વીર શર્મા મને અવાર-નવાર ફોન કરી બોગસગીરી બંધ કરવાનું જણાવી ધમકી આપતો હતો.
આ દરમિયાન રાત્રે 11 વાગ્યાના અરસામાં હું ઘર નજીક બેઠો હતો તે સમયે બુલેટ સવાર વીર શર્મા મારી પાસે ધસી આવ્યો હતો અને અચાનક લાફો માર્યો હતો. આ દરમિયાન મારી સાથેના મિત્ર વિક્કીએ મધ્યસ્થી કરતાં ઉશ્કેરાઈ ગટેલા વીર શર્માએ ફોન કરી અન્ય ઇસમોને બોલાવતાં વીર શર્માનો ભાઈ ધવલ શર્મા, કરણ માળી, દેવ બારોટ અને જયરાજ નામના વ્યક્તિઓ બાઈક ઉપર ધસી આવ્યા હતા અને વિક્કીને પટ્ટા તથા ગડદા-પાટુનો માર માર્યો હતો.
આ હુમલા દરમિયાન વિક્કીને કોઈ યુવાનનું કડું વાગી જતાં તેના માથામાંથી લોહી નીકળવા લાગતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટના અંગે સગીર ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોત્રી પોલીસે હુમલાખોર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.