કંડલા બંદરેથી રૂ. 5 લાખના કોલસાની થઈ ચોરી.

કંડલામાં દીનદયાળ બંદરે એક ખાનગી કંપનીના લોડર ઓપરેટરે બે ડમ્પરોમાં રૂ. 5 લાખનો કોલસો ભરી આપી તેમને રવાના કરી દેતાં આ કર્મચારી વિરુદ્ધ રૂ. 5 લાખની તસ્કરીની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. કંડલામાં બંદર ઉપર ગત તા. 21/10ના રાત્રિના અરસામાં આ ઘટના બની હતી. માહેશ્વરી હેન્ડલિંગ કંપનીમાં બનારસીપ્રસાદ રામદેવી મહંતો નામનો યુવાન લોડર ઓપરેટર તરીકે કામ કરે છે. બનાવવાળી રાત્રે આ ચાલક પોર્ટ ઉપર હતો. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ આવીને તેને રૂ. 20,000ની લાલચ આપી નંબર વગરના બે ડમ્પરોમાં કોલસાનો જથ્થો ભરી આપવા કહ્યું હતું. લાલચમાં આવેલા આ કર્મચારીએ નંબર વગરના આ ડમ્પરોમાં રૂ. પાંચ લાખનો કોલસો ભરી આપી તેમણે જવા દીધા હતા. તે દરમ્યાન કંપનીના અન્ય કર્મી એવ એસ.એચ.જેઠવાને આની બાતમી મળતા તે અહી દોડી આવ્યા હતા તથા અંતે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. નંબર વગરના અને બિલ્ટી કે પાસ વગરના બે ડમ્પર બંદરમાંથી બહાર કેમ નીકળ્યાતે પ્રશ્ન છે. ટેકનિકલ ચોરી સમાન આ ઘટનામાં આગળની તપાસ હાથ ધરી હોવાનું પીએસઆઈ આર.ડી.ગોજિયાએ જણાવ્યુ હતું.