સાણંદ નજીક એમ્બ્યુલન્સ પલટી થતાં ભુજના પેરાપ્લેજિક દર્દીઓ સહિત નવ જણ ઘવાયા.

અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે ભુજની માનસિક રોગની સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ ઊથલતા સર્જાયેલા અકસ્માતમા પેરાપ્લેજિકના પાંચ દર્દીઓ સહિત નવ લોકો ઝખમી થયા હતા. વ્હીલચેર આપવા માટેના અમદાવાદ ખાતે ગવર્નમેંટ સ્પાઇન ઈન્સ્ટિટ્યુડના કાર્યક્રમમાં જઇ રહેલા પેરાપ્લેજિક દર્દીઓ અને તેમના સગાઓને લઈને જતી અમ્બ્યુલન્સ સાણંદ પાસે છારોડી નજીક ઉતારું છકડો રિક્ષા સાથે અથડાયા પછી પલટી મારતા આ અકસ્માત બપોરના અરસામાં થયો હતો. માણસીક રોગ હોસ્પિટલના ડો. મહેશ ટીલવાણીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યુ હતું કે ભુજની જીકે જનરલ હોસ્પિટલ સ્થિત એમ્બ્યુલન્સના ડ્રાઈવર હાજર ન હોવાથી દર્દીઓને અમદાવાદ લઈ જવા માનસિક રોગ હોસ્પિટલનું વાહન ફાળવાયુ હતું. પલટી થયેલ એમ્બ્યુલન્સમાં સવારના પેરાપ્લેજિક દર્દી, તેમના બે સ્વજન ઉપરાંત જનરલ હોસ્પિટલના કારકુન મનજીભા ખરેટ અને વાહનના ચાલક રાજેન્દ્રસિંહ જાડેજાને ઇજાઓ થઈ હતી.મનજીભાઈને પગમાં ત્રણ ફેકચર સાથેની ઇજા થઈ હતી. દર્દીઓ અને તેમના સગાને સામાન્ય ઇજાઓ પહોચી હતી. અકસ્માત બાદ તમામને પરત ભુજ લાવવાની વ્યવસ્થા ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો.કશ્યપ બૂચ દ્રારા ભચાઉની એમ્બ્યુલન્સ મારફતે કરવામાં આવેલ છે.