આજરોજ માધાપર ખાતે ગ્રામ સભાનું આયોજન કરેલ જેમાં માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના સભ્ય દીપક ડાંગર દ્વારા વિવિધ મુદ્દાઓ મૂકવામાં આવ્યા.

માધાપર પોલીસ સ્ટેશન મથકનું વિસ્તરણ થતાં નવું પોલીસ સ્ટેશન અને મહેકમ મળેલ પરંતુ પોલીસ વિભાગની કામગીરી દિનબીન કથળતી જાય છે. માધાપરમાં વાહન પાર્કીંગ—ટ્રાફીક સમસ્યા નીવારવા માટે કોઈ જ નકકર પગલા લીધા નથી પરંતુ દંડના નામે માણસને હેરાન કરે છે. જયારે તેમની નજર સમક્ષ રોજની સેંકડો મીઠાની ઓવરલોડ ટ્રકો પસાર થાય છે જેને ટ્રાફીક જમાદાર મુક પ્રેક્ષક બની જોઈ રહે છે. હાલમાં સમગ્ર માધાપરમાં અને ખાસ કરીને મુખ્ય બજારોમાં મેઈન રોડ પર ટ્રાફીકની સમસ્યા સર્જાય છે તે મુશ્કેલી નિવારવા પોલીસ તંત્ર નિષ્ક્રીય છે.

ગામમાં દારૂની બદી વકરી રહી છે. ખુલ્લેઆમ દારૂના વેચાણથી પોલીસ અજાણ નથી પરંતુ કામગીરી કરવામાં આંખ આડા કાન કરી રહી છે. માટે ગામમાં દારૂ કે અન્ય બદીઓ નિવારવાની બાબત પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ પરંતુ પોલીસ હાલમાં પ્રજાને પરેશાન કરી રહી છે. જેમાં તપાસ કે અન્ય બહાને જવાબદાર અધિકારી તથા પોલીસ સ્ટાફ ગામના પ્રતિનિધિઓના ઘરે જઈ હેરાન પરેશાન કરી રહી છે અને રાત્રીના સમયે નિયમ વિરૂધ્ધ તપાસ કે અન્ય બહાને રોફ જમાવી કાર્યવાહી થઈ રહી છે. અધિકારીને સામે સવાલ કરતાં ચુંટણી છે એટલે કરવું પડે એવા વાહિયાત જવાબ આપે છે. શું ચુંટણી (૧) ખાલી માધાપરમાં જ છે ? આવી કાર્યવાહીની તટસ્થ તપાસ થવી જરૂરી છે.

દિવાળી તહેવારોના સમયમાં માધાપરના રહેવાસીઓના ઘરે રાત્રે ૯ થી ૧૦ વાગ્યાના સમયગાળામાં ઈ–મેમોની ઉઘરાણી કરવા જયા છે. પોતે ઘરધણી હાજર ન હોતાં મહિલાઓ પાસે ધાકધમકી કરીને પૈસાની ઉઘરાણી કરે છે તે કેટલે અંશે યોગ્ય છે?

માધાપરમાં બાઈક ચોરી, મોબાઈલ ચોરી, પૈસા ચોરી, કેબલ ચોરી વગેરેમાં જેમ પોલીસને કોઈ રસ જ ન હોય તેમ એફ.આઈ.આર. કરવામાં પણ આનાકાની કરી ગુનેગારોને પ્રોત્સાહન પુરૂ પાડે છે. જેવા અનેક મુદ્દાઓ દીપક ડાંગર દ્વારા મુકવામાં આવ્યા હતા.