અમદાવાદમાં દારૂ પીવા માટે પૈસા ન આપતા દીકરાએ ઘરમાં તોડફોડ કરી માતા-પિતાને માર માર્યો

શાહીબાગમાં વૃદ્ધ માતા-પિતા ઘરે હાજર હતા તે દરમિયાન દીકરો ઘરે આવ્યો હતો અને દારૂ પીવા પૈસા માગવા લાગ્યો હતો. માતા-પિતાએ પૈસા આપવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા દીકરાએ ઘરમાં તોડફોડ કરી વૃદ્ધ માતા-પિતાને માર મારીને ઘર સળગાવી નાખવાની ધમકી હતી. આ અંગે શાહીબાગ પોલીસે દીકરા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શાહીબાગમાં 78 વર્ષીય રવિશંકર શ્રીમાળી પત્ની ચંપાબેન અને દીકરો વિશાલ ઉર્ફે પિન્ટુ સાથે રહે છે. પિન્ટુને દારૂ પીવાની ટેવ હોવાથી અવાર નવાર પિન્ટુ દારૂ પીવા પૈસાની માંગ કરતો હતો. બપોરે રવિશંકર ઘરે હતા તે દરમિયાન પિન્ટુ આવ્યો અને દારૂ પીવા માટે પૈસાની માગણી કરવા લાગ્યો હતો. જેથી પિતાએ પૈસા આપવાની ના પાડી દીધી હતી.

જેથી પિન્ટુ ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાં તોડફોડ કરવા લાગ્યો હતો, જેથી પિતાએ તેને ઠપકો આપ્યો તો પિન્ટુએ તેમને માર માર્યો હતો ઉપરાંત ભગવાનના મંદિરમાં તોડફોડ કરીને નુકસાન કર્યુ હતું. આ ઘટનાની જાણ ચંપાબેનને થતાં તેઓએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો પિન્ટુએ તેમને પણ માર માર્યો હતો અને આંતરડાં કાઢી નાખવાની અને ઘર સળગાવી દેવાની ધમકી આપીને પિન્ટુ ત્યાંથી પલાયન થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત માતા-પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બાદમાં પિતાએ આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પુત્ર સામે ફરિયાદ દાખલ કરાવી હતી.