2 દિવસ પૂર્વે કામે લાગેલો બંગાળી કર્મચારી 4.5 લાખનું સોનું લઈ છૂમંતર

મહીધરપુરામાં જ્વેલર્સને ત્યાં 2 દિવસ પૂર્વે જ ટ્રાયલ માટે કામે લાગેલો બંગાળી કારીગર 4.5 લાખની કિંમતનું 91.71 ગ્રામ સોનુ તફડાવી નાસી ગયો હતો. પાલ મધુવન સર્કલ એલ.પી.સવાણી રોડ વિમલનાથ રેસીડન્સીમાં રહેતા મુકેશ પટેલ મહીધરપુરા ઘીયાશેરી કલ્પતરૂ બિલ્ડીંગમાં શક્તિ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. તેમની દુકાનમાં 20 કારીગરો કામ કરે છે. તેમાંથી ગોલ્ડ ફાઈલીંગ ડીપાર્ટમેન્ટમાં કામ કરતા 2 કારીગર રજા લઈ વતન જતા કારીગરની જરૂરીયાત હોવાથી તે દરમિયાન મુકેશની દુકાનના મેનેજર મહેન્દ્ર પટેલ પર માસુમ અન્સાર શેખનો મેસેજ આવ્યો હતો અને તેને કામની જરૂર હોવાનું જણાવ્યું હતું.

જેથી મુકેશે તેનું કામ અને ફિનીશીંગ જોઈ નક્કી કરવા માટેનું  કહ્યું હતું. જેથી માસુમને ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યો હતો. તે ટ્રાયલ માટે આવતા તેને 91.71 ગ્રામ સોનું આપ્યું હતું સાંજે જતા સમયે માસુમ ડબ્બો પેક કરી આપી ગયો હતો અને તેની ચાવી પોતાની પાસે રાખી હતી. બીજા દિવસે બપોર સુધી કામ કર્યા પછી રીસેશમાં ગયેલો માસુમ પાછો આવ્યો ન હતો.

જેથી તેના ટેબલ પર તપાસ કરતા સોનું પણ ગાયબ હતું. મુકેશે સીસીટીવી તપાસતા માસુમ પોતાના પેન્ટની મોળીના ભાગમાં વાળીને સોનું ચોરી કરી ફરાર થયા હોવાનુ સામે આવ્યું હતું. અંતે મુકેશભાઈએ ઘટના અંગે મહીધરપુરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી. ઘટના સંદર્ભે પોલીસે માસુમ શેખ સામે ગુનોં દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.