કન્ટેનરમાં 60 રેફ્રિજરેટરની આડમાં છુપાવવામાં આવેલ રૂા.2 લાખનો દારૂ ઝડપાયો

નેશનલ હાઇવે નંબર 8 પર જગદીશ ફરસાણ પાસેથી દારૂનો જથ્થો કટિંગ થાય તે પૂર્વે જ પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ફ્રિજની આડમાં છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવર અને ક્લીનરને બાપોદ પોલીસે પકડી રૂપિયા 33.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી બાજુ આ દારૂનો જથ્થો મોકલનાર, ભરનાર અને મગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર નેશનલ હાઇવે નંબર 8 પર એપીએમસી માર્કેટ જગદીશ ફરસાણ પાછળની ગલીમાં કન્ટેનરમાં રેફ્રિજરેટરની આડમાં વિદેશી દારૂના જથ્થાનું કટિંગ થવાનું છે, તેવી બાતમી મળી હતી.

જેના આધારે બાપોદ પોલીસે ઘટના સ્થળે રેડ પાડી કન્ટેનર ડ્રાઇવર અને ક્લીનરને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી લીધા હતા. આરોપી અજય મનોહરજી દમામી (રહે. રાજસ્થાન) અને જયપ્રકાશ જગદંબાલાલજી દમામી (રહે. અજમેર)એ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી અજાણ્યા વ્યક્તિ પાસેથી ડાલુરામ ગુર્જરે ભરી આપ્યો હતો અને અમદાવાદમાં અજાણ્યા વ્યક્તિને આપવાનો હતો, એમ પોલીસને જણાવવામાં આવ્યું હતું.

જેથી પોલીસે તે દિશામાં વધુ તપાસ સાથે આરોપીઓના રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. બાપોદ પોલીસ દ્વારા રૂા.1.33 લાખની કિંમતના દારૂનાં 1,584 પાઉચ, રૂા.44 હજારની વિદેશી દારૂની 72 બોટલ, રૂા.40 હજારનાં બિયરનાં ટીન, રૂા. 20 લાખનું કન્ટેનર તેમજ રૂા.11.46 લાખનાં નવાં 60 રેફ્રિજરેટર સહિત કુલ રૂા. 33.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.