લખપત તાલુકામાં સુજલામ સુફલામ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા હાઇકોર્ટ સમક્ષ ધા.

- ગુજરાત હાઇકોર્ટે આગામી 17 નવેમ્બરે રાજ્ય સરકારને જવાબ આપવા સુચના આપી.
દયાપર (તા:19/10) રાજ્ય સરકાર દ્વારા જળસંગ્રહના ઉમદા આશયથી શરૂ કરાયેલી “સુજલામ સુફલામ” યોજનામાં સરહદી લખપત તાલુકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વ્યાપક ફરિયાદો બાદ જાગૃત નાગરિક દ્વારા રાજ્યની વડી અદાલત સમક્ષ સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ કરવા તથા તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ચુકવણા પર રોક લગાવવાની માંગણી કરતી જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવતા, રાજયની વડી અદાલત દ્વારા અરજીની ગંભીરતાને ધ્યાને લઈ રાજય સરકારને આગામી ૧૭ નવેમ્બરે જવાબ રજૂ કરવા ન્યાયમૂર્તિ શ્રી નિર્ઝર દેસાઈ દ્વારા “ઓરલ ઓર્ડર” કરવામાં આવતા ભ્રષ્ટ અધિકારીઓ તથા મલાઈ મેળવનાર ખાનગી સંસ્થાના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
લખપત તાલુકાના પુનરાજપર ગામના યુવા અગ્રણી વેરસલજી ગગુજી જાડેજા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી સરહદી લખપતના આંતરીયાળ વિસ્તારોમાં સુજલામ સુફલામના કામોમાં ભ્રષ્ટાચારની આધાર પુરાવા સાથે વિગતવાર ફરિયાદ કરવામાં આવી છે. શ્રી જાડેજાના જણાવ્યા અનુસાર ક્ષારઅંકુશ વિભાગના અધિકારીઓ તથા ખાનગી સંસ્થાના સંચાલકો દ્વારા સાંઠગાંઠ કરી ગત વર્ષે થયેલા કામોને આ વર્ષના કામ તરીકે દર્શાવી તેના બોગસ બિલ બનાવી, સરકારના કરોડો રૃપિયા પચાવી પાડવા માટે આયોજન પૂર્વક ષડયંત્ર રચવામાં આવ્યું છે. યોજનાની જોગવાઈઓ મુજબ કામ કરનાર સંસ્થા દ્વારા ચાલીસ ટકા રકમ ખર્ચવાની હોય છે પરંતુ જે સંસ્થા પાસે માત્ર એક બે હજાર રૂપિયા જેટલી બેન્ક બેલેન્સ છે એવી ભુતિયા સંસ્થાઓના નામે લાખો રૃપિયાના ખર્ચ થયાનું દર્શાવવામાં આવ્યું છે, ત્યારે ગત વર્ષ તેમજ આ વર્ષના કામોની અક્ષાંશ-રેખાંશ પ્રમાણે ફેર તપાસ કરી, તે કામોમાં થયેલા ખોદકામની પુન: માપણી કરી, કામ કરનારા સંસ્થાના બેન્ક ખાતાની ખરાઈ કરવામાં આવે તો કરોડો રૃપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર થઈ જશે. આ અંગે અરજદારે કલેકટર – કચ્છ અને જળસંપત્તિ વિભાગના સચિવ શ્રીને પણ રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં હાઈકોર્ટ સમક્ષ ધા નાખવામાં આવી છે.
ઉપરાંત વિશેષમાં અરજદાર વેરસલજી જાડેજા દ્વારા કલેકટર શ્રી કચ્છને પત્ર લખી સમગ્ર બનાવ જ્યારે નામદાર હાઇકોર્ટ સમક્ષ છે ત્યારે આગામી ૧૭ નવેમ્બરે નામદાર હાઈકોર્ટ દ્વારા આ બાબતે દિશા નિર્દેશ આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ ખાનગી સંસ્થાને ચુકવણું કરવામાં ન આવે તેવી માંગ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારની ઉમદા યોજનાઓનો ગેરલાભ લઈ મલાઈ મેળવવાની આ ભ્રષ્ટ પ્રવૃત્તિ છેલ્લા ઘણા સમયથી કચ્છમાં ફુલીફાલી રહી છે, ત્યારે ભ્રષ્ટાચારની ફરિયાદ છેક રાજ્યની વડી અદાલત સુધી પહોંચે તે અત્યંત ગંભીર બાબત છે. ત્યારે નવા વરાયેલા કલેકટર શ્રી પણ આ બાબતે કડક કાર્યવાહી કરે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.